/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/iskcon-delhi-krishna-birth-day-8-e1408702133579.jpg)
દર વર્ષે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જન્માષ્ટમી પર મટકી ફોડવાની પ્રથા સમગ્ર દેશમાં કરવામાં આવે છે.
કેટલાક લોકો રાત્રે મટકી ફોડે છે તો કેટલાક દિવસે મટકી ફોડે છે. પરંતુ રાત્રે મટકી ફોડવી યોગ્ય છે?
મહાભારતમાં કરેલા ઉલ્લેખ મુજબ જ્યારે આકાશવાણી થઇ કે કંસની બહેન દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે ત્યારે કંસ તેની બહેન દેવકી અને બનેવી વાસુદેવને કારાવાસમાં બંધ કરી દે છે. ત્યારબાદ દેવકીના કુખે જન્મ લેનાર બધા જ સાત પુત્રોની હત્યા કરી નાંખે છે.
પરંતુ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે ત્યારે કારાવાસના બધા જ દરવાજા ખુલી જાય છે અને ભગવાનને ગોકુળમાં મૂકી આવવા માટે વાસુદેવને આદેશ થાય છે. સમગ્ર ગોકુળ ગામ ઉંઘતુ હોય છે ત્યારે રાત્રે વાસુદેવ ભગવાનને લઇને ગામમાં પહોંચે છે.
સવારે ગોકુળવાસીઓને ખબર પડે છે કે જશોદાના ઘરે પુત્રનો જન્મ થયો છે અને તેની ઉજવણી ભગવાનના જન્મના બીજા દિવસે કરવામાં આવે છે.
આ અંગે ભરૂચના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોકુળમાં બીજા દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની જાણ થતા ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મટકી ફોડવાની પ્રથા અંગે તેમણે જણાવ્યું હતું કે મટકી ફોડીને તેમાં રહેલા માખણ અને મિસરીનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે અને તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ તેમની કૃપા થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ગોકુળવાસીઓએ ભગવાનની જન્મજયંતિની ઉજવણી બીજા દિવસે કરી તો ભક્તોએ પણ આ ઉજવણી બીજા દિવસે કરવી યોગ્ય છે.