જુનાગઢ : રાજ્યના મુખ્યમંત્રીએ વિસાવદર ખાતે ખેડૂત શિબિરમાં આપી હાજરી, આપાગીગા ઓટલાની પણ લીધી મુલાકાત

જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહા ખેડૂત શિબિરમાં હાજરી આપી ખેડૂતોને ખેડૂત જીવન વીમા યોજનાનાચેક અર્પણ કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જુનાગઢ જિલ્લાના વિસાવદરની મુલાકાત લીધી હતી. વિસાવદરના માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલી શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સાથે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, જુનાગઢના મેયર ધીરુ ગોહિલ સહિત અન્ય ભાજપના આગેવાનોરહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની ખૂબ જ ચિંતા કરે છે એટલે જ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને તાત્કાલિક વીજ કનેકશન મળી રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ખેડૂત જીવન વીમાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જે લોકોએ સારી કામગીરી કરી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર ખાતે પહોંચી આવ્યા હતા. તમામ કાર્યક્રમો ટૂંકાવી કાફલા સાથે સતાધારની મુલાકાત લીધી હતી. સતાધારના આપાગીગાની સમાધિના પણ દર્શન કર્યા હતા ત્યારે સતાધારના મહંત જીવરાજબાપુની તબિયત નાજુક હોવાથી વિજય રૂપાણીએ તેમના પણ હાલચાલ પૂછ્યા હતા. આ પ્રસંગે સતાધારના લઘુમહંત વિજય ભગતે સાલ ઓઢાડીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.