ઝઘડિયાઃ ખાણ માફિયાઓનો ભુસ્તર વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો, 5 શખ્સો પોલીસ સકંજામાં

New Update
ઝઘડિયાઃ ખાણ માફિયાઓનો ભુસ્તર વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો, 5 શખ્સો પોલીસ સકંજામાં

ભરૂચ ખાણ ખનિજ વિભાગનાં અધિકારીઓ ઉપર પર ગત રાત્રે હુમલો કરાતાં ઈજાગ્રસ્ત થયા હતા

ભરૂચ જિલ્લામાં હવે રેતી માફિયાઓ હાવી થઈ રહ્યા હોવાનો કિસ્સો ગત રાત્રિએ સામે આવ્યો છે. જેમાં ત્રણ ટ્રકોનો પીછો કરી રહેલા ભરૂચ ખાણ ખનિજ વિભાગનાં અધિકારીઓ ઉપર ખાણ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભૂસ્તર શાસ્ત્રી સહિત ત્રણ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી ઘટના સંદર્ભે પોલીસે સ્થળ ઉપર દોડી જાઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે આખી રાત હાથ ધરેલી કોમ્બિંગની કામગીરી બાદ પાંચ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, ઝઘડિયા તાલુકામાં ભરૂચનાં ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટીમ તપાસમાં હતા. દરમિયાન કે.સી.એલ કંપનીના પ્લાન્ટ પાસે રેતી માફિયાઓ દ્વારા આ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઓવરલોડ પસાર થઈ રહેલી ગાડીઓનો પીછો કરતા ઘટના બની હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે લગાવાઇ રહ્યું છે.

ખાણ માફિયાઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં અધિકારી કેયુર રાજપરા અને માઇન સુપરવાઈઝર ઈજાગ્રસ્ત થયા હતા. ખનીજ ચોરોએ પોતાની ચોરી છુપાવવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સુપરવાઈઝર અને અધિકારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં ઝઘડિયા અને રાજપારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે આખીરાત આરોપીઓને ઝડપી પાડવા ૪ અધિકારીઓની ટિમો દ્વારા કોમ્બિન્ગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૧ હાઇવા ડમ્પર, ૧ આઈ-૨૦, ૧ મારૂતિ બ્રીઝા, ૧ બુલેટ અને કેટીએમ બાઇક મળી કુલ પાંચ વાહનો અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ખૂનની કોશિશ, રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલા જેવી કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories