/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/02-3.jpg)
દરિયાઇ વિસ્તાર અને નદીના વહેણને રોકી પાળો બનાવવો ગેરકાયદેસર છે : જયેશ પટેલ
શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાને પાણીની સમસ્યાના નિવારણ માટે ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહની ભરૂચ મુલાકાત દરમિયાન દરિયાના ખારા પાણીને નર્મદામાં ભળતા રોકવા માટે નર્મદા નદીમાં પાળો બનાવવા માટેનું નિવેદન કર્યું હતું. જેની સામે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિએ તીખા પ્રત્યાધાત આપી પાળો બનાવવોએ ગેરકાયદેસર હોવાનું ગણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં પાણીની કટોકટી ઉભી થાય તેવા એંધાણના પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. જેમાં દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓને જે તે જિલ્લાની મુલાકાત લઈ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી સમસ્યાના નિવારણ માટે કવાયત હાથ ધરી હતી.જેના ભાગ રૂપે શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભરૂચની મલાકાત લીધી હતી. દરમિયાન મિડીયા સાથેની વાતચીતમાં તેમણે સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરેલ નરમદા નદીમાં પાણી છોડવાની રજૂઆત પગલે ચર્ચાઓ કરી યોગ્ય નિરાકરણ લાવવા માટેનો વિશ્વાશ વ્યક્ત કર્યો હતો. સાથે નર્મદા નદીમાં દરિયાના પાણીને ભળતા અટકાવવા માટે નદીમાં પાળો બનાવવા માટેની વાત તેમણે કરી હતી.
આ એહવાલ મીડીયામાં પ્રસારીત થતાં જ ભરૂચ જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાધાતો ઉભા થયા છે. નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિએ પાળો બનાવવાની વાત સામે પોતાની તીખી પ્રતિક્રીયા સોશ્યલ મિડિયાના માધ્યમથી આપી છે. નર્મદા પ્રદુષણ નિવારણ સમિતીના જયેશ પટેલે સોશ્યલ મીડીયા ઉપર લખ્યું છે કે, નદીના વહેણને રોકી પાળો બનાવવો ગેરકાયદેસર છે.ભરતીના પાણીના પ્રવાહ અને દબાણ સામે માટીનો પાળો ટકી શકે તેમ નથી. ઉપરાંત સી.આર.ઝેડની મંજુરી વગર પાળો બની શકે તેમ નથી અને મંજુરી લેવા માટે વર્ષો નીકળી જાય.ભરૂચ જિલ્લામાં નર્મદા નદીને બચાવવા માટે ચેતના ઉભી થઈ છે અને લોકો નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે આ મુદ્દાથી ભટકાવવા માટે સરકાર પાળો બનાવવાની વાત કરી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે,પાળો બનાવવાના ખોટા ખર્ચા કરતા પહેલા ટેકનીકલી, લોજીકલી અને લીગલી પાળો બનાવવાની શક્યતાઓની નિષ્ણાંતો દ્વારા ચકાસણી કરવી જોઇએ.
તેમણે પોતાનો મત વ્યક્ત કર્યા મુજબ જો નર્મદાને જીવતી રાખવી હોય તો ડેમમાંથી પાણી છોડવું જોઇએ.જેના માટે ગુજરાત સરકારે કોઇ મંજૂરી લેવાની રહેતી નથી. રાજ્ય સરકારની ડેમના પાણીની વહેંચણીની ખોટી નીતિના કારણે નર્મદાની અવદશા થઈ છે અને તેના માટે રાજ્ય સરકાર જ જવાબદાર છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.