નેત્રંગ:દાજીપુરા ગામે અમરાવતી નદીમાં ન્હાવા પડેલ માસુમ બાળકનું મોત

New Update
નેત્રંગ:દાજીપુરા ગામે અમરાવતી નદીમાં ન્હાવા પડેલ માસુમ બાળકનું મોત

વાલીયા તાલુકાના દાજીપુરા ગામમાં અમરાવતી નદીમાં ન્હાવા પડેલ માસુમ બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જળબંબાકારની સ્થિતિ ઉદભવી જવા પામી હતી. જેમાં બોર,કુવા,તળાવ અને ચેકડેમ સહિત નદી-નાળામાં વરસાદના નવા પાણીના નીર આવતા નેત્રંગ તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદી બંને કાઠે વહી રહી છે. મુખ્યત્વે વાલીયા તાલુકાના દાજીપુરા ગામની સીમમાંથી પણ અમરાવતી નદી પસાર થાય છે,જેમાં દાજીપુરા ગામના રહીશ સુરેશભાઈ વસાવાનો બાર વર્ષીય સંતાન જયરાજકુમાર સુરેશભાઈ વસાવા પોતાના મિત્રો સાથે દાજીપુરા ગામની સીમમાંથી જ પસાર થતી અમરાવતી નદીમાં ન્હાવા ગયા હતા અને પોતાના મિત્રો સાથે નદીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા.

દરમિયાન અમરાવતી નદીના વરસાદી પાણીના વહેણમાં જયરાજકુમાર વસાવા આવી જતાં પાણીમાં ડુબી ગયો હતો.ત્યારબાદ પાણીમાં ન્હાતા મિત્રોને જાણ થતાં ભારે જહેમત ઉઠાવી નદીના કિનારે લાવતા ઘટનાસ્થળ ઉપર પરિવારના સભ્યો અને લોકટોળા ઉમટી પડ્યા હતા,જે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્યમાં કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો,પરંતુ તબીબે પ્રાથમિક તપાસ કરતાં જયરાજકુમાર વસાવાનું કરૂણ મોત થયાનું જણાવતા મૃતક માસુમ બાળકના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી જવા માંડી હતી.આ ઘટના અંગે નેત્રંગ પોલીસ ગુનો નોંધી અને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. માસુમ બાળકના મોતના પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.