નેત્રંગ : વિધાનસભાનો ઘેરાવ કરવાં બીટીપીના કાર્યકરો ગાંધીનગર સુધી ન પહોંચી શકયાં, જાણો કેમ

રાજયમાં પ્રાથમિક શાળાઓ મર્જ કરવા સહિતના મુદ્દે
વિધાનસભાનો ઘેરાવ કરવા જઇ રહેલાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેત્રંગ તાલુકાના
આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડીટેઇન કરી લેતાં તેઓ ગાંધીનગર પહોંચી શકયા ન હતાં.
નેત્રંગ તાલુકાની ૨૦ શાળાઓમાં છાત્રોની સંખ્યા ઓછી
હોવાથી તેમને બંધ કરી દેવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક
શાળાઓને મર્જ કરી દેવાના પણ આદેશો જારી કરી દેવાતાં ભીલીસ્તાન ટાઇગર સેના અને
ભારતીય ટ્રાયબલ પાર્ટીએ સોમવારના રોજ ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવ કરાવાનો
કાર્યક્રમ આપ્યો હતો. આગેવાનો અને કાર્યકરો ગાંધીનગર પહોંચે તે પહેલાં જ તેમને
ડીટેઇન કરવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી હતી. નેત્રંગ તાલુકા પંચાયતના કારોબારી
અધ્યક્ષ મગનભાઇ વસાવા સહિત બીટીપી-બીટીએસના ૨૧ જેટલા કાર્યકરોને ડીટેઇન કરી
લેવાતાં તેમણે પોલીસના વલણ સામે રોષ વ્યકત કર્યો હતો. મગનભાઇ વસાવાએ જણાવ્યું હતું
કે, શાળાઓ બંધ થવાથી ૪૦૯ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બની જશે. આ ઉપરાંત આદિવાસી સમાજ અનેક
સમસ્યાનો સામનો કરી રહયો છે પણ રાજય સરકાર તેની મનમાની કરી રહી છે.