/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/download.png)
ત્રણ દિવસમાં મકાન તુટી પડવાની ચોથી ઘટના
ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં કોટ પારસીવાડ વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દોડધામ મચી હતી. સદનસીબે મકાનમાં રહેતા પાંચ વ્યક્તીનો પરિવાર નીચેના રૂમમાં બેઠો હોય તેમનો આબાદ બચાવ થયો છે.
ભરૂચ શહેરમાં અનેક મકાનો જર્જરીત અને ભયજનક હાલતમાં હોવા છતાં તેને ઉતારી લેવામાં મકાનમાલિકો અને નગરપાલિકા બેદરકારી જણાઇ રહી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં ત્રણ દિવસમાં મકાનો ધરાશાયી થવાની ચોથી ઘટના બની છે. વેજલપુરના બામણીયા ઓવારા પાસે રહેતાં લખીબેન મિસ્ત્રીના મકાનની દિવાલ રવિવારે બપોરના સમયે અચાનક તુટી પડી હતી. સદનસીબે પરિવારનો બચાવ થયો હતો. તો ત્રીજા દિવસે પણ મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ યથાવત રહી વેજલપુર વિસ્તારમાં જ કોટ પારસીવાડ વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.
જોકે, આ ઘટનામાં પણ નીચેના માળે બેઠેલા પરિવારના પાંચેવ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં નગરપાલિકાના લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતાં અને કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી. ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદમાં જર્જરીત અને કાચા મકાનો પત્તાના મહેલની માફક તુટી રહયાં છે. ચોમાસા પહેલા જ પાલિકાએ ભયજનક મકાનોના માલિકોને નોટીસ આપી હતી. પણ બાદમાં કોઇ નકકર કાર્યવાહી નહિ થતાં આવા બનાવો બની રહયાં છે. ભરૂચ શહેરમાં ભુતકાળમાં મકાનો ધરાશાયી થવાના બનાવોમાં અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં હોવાથી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.