ભરૂચમાં દે માર વરસાદ : ૧૨ કલાકમાં ૪ ઈંચ વરસાદના પગલે શહેર જળબંબાકાર

New Update

ભરૂચમાં ગુરુવારના રોજ પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. દિવસ દરમ્યાન ૧૨ કલાક માં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભરૂચ શહેર જળબંબાકાર બન્યું હતું.

હવામાન ખાતાની ત્રણ દિવસની આગાહીને સાચી. ઠેરવતા હોય તેમ બીજા દિવસે પણ ભરૂચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રાત્રી દરમ્યાન ઝરમર વરસાદ દિવસ દરમ્યાન જોર પકડ્યું હતું. સવારે ૬:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી ૧૨ કલાકમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ભરૂચમાં ફુરઝા વિસ્તારમાં નદીની જેમ રોડપર પાણી વહેતા થયા હતા. જેના કારણે ફુરઝા અને ચાર રસ્તા સહિત આસપાસના રહીશો અને વેપારીઓની હાલત કફોડી બની હતી. શહેરના કસક, દાંડિયા બજાર, ધોળીકુઈ, પંચબત્તી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ, લિંકરોડ, સહિતના મુખ્યમાર્ગ તથા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા.ઘણી સોસાયટીઓના મકાનોમાં પણ પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી.

ધોધમાર વરસાદના પગલે થોડા સમય પહેલાજ બનાવેલા અને મરમ્મત કરાયેલ ડામર રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા.દહેજ બાયપાસ રોડ ઉપર પણ મારેલ થિંગડા ઓ માંથી કપચી નીકળી જતા ખાડા પડી ગયા હતા.ખાસ કરીને નંદેલાવ ઓવર બ્રિજ તથા જંબુસર ચોકડી ઓવરબ્રિજના રોડ પર ખાડાઓ પડી જતા અકસ્માતનો ભય ઊભો થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભરૂચની ભૂખી ખાડી ઓવરફ્લો

ભરૂચ અને તેના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ નજીક દયાદરા ગામ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં તેના પાણી ફરિવડયા હતા. એક તબક્કે દયાદરા અને અરગામાં ગામ વચ્ચે આવેલ પુલ ઉપરથી પાણી વહેતા થતા તંત્ર એ આ માર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવવો પડ્યો હતો.

ભરૂચમાં દિવાલ અને ઝાડ પડ્યા

ભરૂચમાં ભારે વરસાદના કારણે ગોદી રોડ પર આવેલ નારી કેન્દ્ર નજીક ગુંદા અને નિલગીરીનું ઝાડ ધરાસાઈ થતા માર્ગ અવરોધાયો હતો.જોકે નગરપાલિકા ફાયર બ્રિગેડના માણસોએ તત્કાલ દોડી જઇ ઝાડ હટાવતા માર્ગ પરનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

ભરૂચના કોઠી હરિજનવાસ વિસ્તારમાં એક ખાલી મકાનની દીવાલ ધરાસાઈ થતા આસપાસના રહીશોમાં ફફડાટ ઉભો થયો હતો. સાવચેતીના ભાગ રૂપે ફાયર વિભાગના માણસોએ મકાનની બાકીની ઝોખમી દિવાલનો ભાગ ઉતારી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત રતન તળાવ નજીક બહાદુર બુરજ પાસે દિવાલનો કેટલોક ભાગ ધસી પડતા લોકોમાં ઘભરાટ ઉભો થયો હતો. ત્યાં પણ ફાયર વિભાગના માણસોએ દોડી જઇ દિવાલના ઝોખમી હિસ્સાને ઉતારી લીધો હતો.

ભરૂચ જિલ્લામાં ગુરુવારની સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ

આમોદ : ૨૪ એમ.એમ.,અંકલેશ્વર : ૬૯ એમ.એમ.,ભરૂચ : ૧૦૨ એમ.એમ.,હાંસોટ : ૨૬ એમ.એમ.,જંબુસર : ૦૯ એમ.એમ,નેત્રંગ : ૨૫ એમ.એમ,વાગરા : ૧૭ એમ.એમ.,વાલિયા : ૨૧એમ.એમ., ઝઘડીયા : ૫૯ એમ.એમ.

Latest Stories