દેડિયાપાડાનો નિનાઈધોધ ખીલી ઉઠ્યો, નજારો માણવા પ્રવાસીઓનો ધસારો

નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યા બાદ હવે પ્રવાસન સ્થળો ખિલી ઉઠ્યા છે. જેના કારણે નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને વીકએન્ડમાં લોકો નજીકનાં સ્થળોએ ફરવા જવાનું વધારે વિચારતા હોય છે.

કુદરતના ખોળે રમતો નર્મદા જિલ્લો હાલ લીલોતરીના કારણે ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ નદી-નાળા ઉભરાતાં હવે વનરાજી અત્યંત આહલાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓને આકર્ષી રહી છે. ખાસ કરીને નિનાઈ ધોધ અને ઝરવાણી ધોધ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હવે વીકેન્ડમાં લોકો નર્મદા જિલ્લાનાં રસ્તાઓ ઉપર કુદરતી નજારાનો અહેસાસ કરતા જોવા મળી રહ્યા છે.

ભરૂચ-અંકલેશ્વરનાં લોકો માટે એક દિવસનો પીકનીક અને કુદરતનાં ખોળે જવું હોય તો દેડિયાપાડા તાલુકાનાં માલસામોટ ખાતે આવેલા નિનાઈ ધોધ ખાતે હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હવે અહીં જવા માટે અંકલેશ્વરથી સરકારી એસ.ટી.બસો, અથવા તો પોતાનાં વાહનો મારફતે જઈ શકાય છે. એસ.ટી. વિભાગ દ્વારા દેડિયાપાડા સુધીની સીટી લિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ ખાતેથી દર કલાકે મળી રહે છે. દેડિયાપાડાથી માલસામોટ જવા માટે એસ.ટી. બસો અથવા તો ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. તો ઝરવાણી ધોધ જવા માટે અંકલેશ્વરથી નેત્રંગ થઈને મોવી રોડ ઉપર અથવા તો રાજપીપળાથી પણ જઈ શકાય છે. એક દિવસનાં પ્રવાસ માટેનાં આ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

 

LEAVE A REPLY