/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vds.jpg)
- વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારોએ પાઠવ્યું આવેદન
- નદીના વહેણમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ બન્યા રોજગારી સામે પ્રશ્ન
- માથાભારે ઇસમોએ ૧૫થી ૧૬ ફૂટ જેટલા ખૂંટાઓ ચોંઢી દેતા સમસ્યા
- માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી મુખ્યત્વે માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન છે, ત્યારે નર્મદા નદીના વહેણમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ લાદી દેવામાં આવતા હોય છે. આ ખૂંટાઓ તેમના માછીમારીના વ્યવસાય સામે પડકારરૂપ સાબિત થતાં હોવાથી તેને કાયમી ધોરણે દૂર કરવા, તેઓને બે તકનું જમવાનું આપવું, તેઓના દેવાની માફી સાથે ચુકવણી કરવી, કાયમી વૈકલ્પિક રોજગારી આપવા સહિતની માંગણીઓ સાથે વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારો દ્વારા ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચથી દહેજ સુધી નર્મદા નદીના ભરતી તથા ઓટના વહેણમાં ભાભરા પાણીના વિસ્તારમાં છૂટાં જાળો નાંખીને બારેમાસ માછલી પકડી વ્યવસાય કરતાં માછીમાર સમાજના લોકોને નદીમાં ખૂંટા નાખવા સામે મોટો પ્રશ્ન નડી રહ્યો છે. ચોમાસાની સિઝન આવે છે ત્યારે ભરૂચ તાલુકા તથા વાગરા તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલ મહેગામ, મનાડ, કલાદરા, સૂવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહીયાદ, જાગેશ્વર અને હાંસોટ તાલુકાના કિનારે આવેલ કેટલાક ગામોના માથાભારે લોકો દ્વારા નર્મદા નદીના પટના બન્ને કિનારાનો જાહેર જળમાર્ગ બંધ થઈ જાય તે રીતે ૧૫થી ૧૬ ફૂટ જેટલા ખૂંટાઓ ચોંઢી દેવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ માછીમારીની સિઝન શરૂ થતાં પહેલા જ માથાભારે ઇસમો દ્વારા નર્મદા નદીમાં હજારોની સંખ્યામાં ખૂંટાઓ ચોંઢી દેવામાં આવ્યા છે, જેના કારણે નાવડી વડે છૂટાં જાળો નાંખીને માછલી પકડી વ્યવસાય કરતાં માછીમારો માટે નર્મદા નદીનો જળમાર્ગ બંધ થઈ ગયેલ છે. આ ઉપરાંત નદીમાં નાંખવામાં આવતી જાળો પણ ખૂંટાઓમાં ફસાઈ જવાની સમસ્યાનો સામનો માછીમારોને કરવો પડે છે. આ પડકાર સામે હવે તેઓને બે તકનું જમવાનું આપવું, તેઓના દેવાની માફી સાથે ચુકવણી કરવી, કાયમી વૈકલ્પિક રોજગારી આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ભરૂચના વાગરા તાલુકા આદિવાસી સામાજના માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું. જો આવનાર દિવસોમાં આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો માછીમાર સમાજ દ્વારા રસ્તે ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.