ભરૂચ : આસામમાં 10 લાખનું ઉઠમણું કરનારી ટોળકી અંકલેશ્વરમાં 30 લાખનું ફુલેકું ફેરવે તે પહેલા જ ઝડપાઇ

અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં તુલસી હોમ નીડસ નામથી દુકાન ખોલી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સસ્તા દરે ઘર વપરાશની વસ્તુઓ આપવાની લાલચે ફુલેકુ ફેરવી ફરાર થઇ જતી આંતર રાજય ટોળકીના સાત સાગરિતોને ભરૂચ એલસીબીએ ઝડપી પાડયાં છે. ટોળકીના સાગરિતો 30 લાખથી વધુની ઉચાપત કરે તે પહેલા પોલીસે તેમને દબોચી લીધાં છે.
તુલસી નિડ્સ દુકાનના સંચાલકોની તરફેણમાં સ્થાનિક રહીશોએ આવેદન આપ્યું
અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં આવેલી તુલસી હોમ નીડસની દુકાનમાં સસ્તા દરથી હોમ એપ્લાયસીન્સનું વેચાણ થતું હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એન.ઝાલા તથા તેમની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. દુકાનમાં બેસતા તમામ લોકોની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેમણે ચોંકાવનારી કબુલાત કરી હતી. ટોળકીએ અગાઉ આસામના સોનારી શહેરમાં આવી દુકાન ખોલી લોકોને પ્રલોભન આપી 10 લાખનું ફુલેકું ફેરવી ગુજરાત ભાગી આવ્યાં હતાં. અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં તુલસી હોમ નીડસના નામથી દુકાન ખોલી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સભ્યો બનાવી તેમની પાસેથી 30 લાખથી વધુની રકમ એકત્ર કરી તેઓ ભાગી જવાની તૈયારીમાં હતાં. હાલ તો પોલીસે આંતરરાજય ટોળકીના સાત સાાગરિતોની અટકાયત કરી વધુ તપાસ આદરી છે. તો બીજી તરફ તુલસી નિડ્સ દુકાનના સંચાલકો રૂપિયાની સામે નિયમિત રીતે ઘર વાપરસની વસ્તુઓ આપતા હતા અને પોલીસે તેમની ખોટી રીતે ધરપકડ કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ આવેદન આપેલ હતું.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ અને તેમની ભૂમિકા :
ગણેશ સુંદરમ, રહે. તામિલનાડુ : દુકાન પર બેસીને ગ્રાહકોનો વિશ્વાસ કેળવતો
યુસુફ સાહુલમીદ, રહે. તામિલનાડુ : શોરૂમ માટે ચીજવસ્તુઓ ખરીદવા જતો હતો
સન્મુખ નટરાજન, રહે. તામિલનાડુ : શોરૂમમાં આવતાં લોકોને વસ્તુઓ બતાવતો
અમલાદાસ સેલવારાજ, રહે. તામિલનાડુ : બીલ બનાવવાનું કામ કરતો હતો
વિજય સૌરીરાજન રહે. તામિલનાડુ : ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહન આપતો
દેવનાર મુનીસ્વામી, રહે. તામિલનાડુ : ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહન આપતો
મુથ્થુ ધર્માલીંગમ, રહે. તામિલનાડુ : દુકાનમાં મજૂરી અને રસોઇકામ કરતો હતો
કેવી હતી ટોળકીની મોડસ ઓપરેન્ડી :
ટોળકીના સભ્યો અશિક્ષિત અને ગરીબ તથા મધ્યમવર્ગીય લોકોની વસતી વધારે હોય તેવા વિસ્તારમાં સર્વે કરીને દુકાન ખોલતા હતાં. તેઓ તે વિસ્તારમાં ભાડાનું મકાન રાખી તેમાં રહેવાનું ચાલુ કરતાં હતાં. દુકાનમાં ફીઝ, ટીવી,વોશીંગ મશીન સહિતની ઘરવપરાશની વસ્તુઓ રાખતાં હતાં. ત્યારબાદ જે તે વિસ્તારમાં પેમ્લેટનું વિતરણ કરી ગ્રાહકોને આર્કષતા હતાં. ગ્રાહકોને સસ્તાભાવથી વસ્તુઓ આપવાના બહાને તેમની પાસેથી નાણા ખંખેરીને ફરાર થઇ જતાં હતાં.