વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ
કષ્ટભંજન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની ઉજવણી કરાય
કષ્ટભંજન હનુમાનજી દાદાને આહલાદક શણગાર કરાયો
નારિયેળીના પાન-રાખડીમાંથી બનાવેલા વાઘાનો શણગાર
ભગવાનના દિવ્ય શણગાર દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને નારિયેળીના પાન અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા સુંદર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજરોજ પવિત્ર નાળિયેરી પૂનમને રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
સિંહાસનની ઉપરર કમળ આકારની ડિઝાઈન છે, અને બાજુમાં 2 બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત હનુમાજી દાદાને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા સુંદર વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે મંગળા આરતી ત્યારબાદ શણગાર આરતી અને છપ્પનભોગ અન્નકૂટ સહિત દાદાની ષોડપશોચાર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.