જિલ્લા રોજગાર કચેરી – ભરૂચ અને આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના પટાંગણમાં સહકાર, રમત ગમત, યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ(સ્વતંત્ર હવાલો) અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ ધારાસભ્યો દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, અંકલેશ્વર આઈ.ટી.આઈ. ના પ્રિન્સીપાલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૨૫ જેટલા યુવક-યુવતિઓને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે રોજગાર નિમણૂંકપત્ર તેમજ એપ્રેન્ટીસપત્ર એનાયત કરાયા હતા.

જિલ્લાકક્ષાના સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાને દિપ પ્રગટાવી ખુલ્લો મુકતાં સરકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કટિબધ્ધ હોવાનું જણાવી સરકાર ધ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકી બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. તેમણે રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બેરોજગારોને પુરી પાડવામાં આવેલી રોજગારીની આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, એપ્રેન્ટીસ ભરતીમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન છે. તેમણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતિઓની સાથે ધોરણ-૧૦ અને ૧૨ આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારોને પણ રોજગારીની પુરતી તકો મળે એવો રાજ્ય સરકારનો અભિગમ છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત તમામ રોજગારવાંચ્છુ યુવક-યુવતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય ગુજરાત છે. આજે અહીં ૩૮ જેટલી વિવિધ કંપનીઓ ધ્વારા ૨૧૦૦ જેટલી જગ્યા નોટીફાઈડ થયેલી છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત સૌને હિમાયત કરતાં તેમણે ઉદ્યોગકારોને ઉપસ્થિત રોજગારવાંચ્છુ યુવક-યુવતિઓને જેટલા પ્રમાણમાં લેવાના છે તે મુજબ પસંદગી કરે તેવી અપેક્ષા સેવી હતી. તેમણે યુવક-યુવતિઓને આજના હરીફાઈના જમાનામાં તમારો અભ્યાસ સિમિત ન રાખતાં વિવિધ ક્ષેત્રે નિપૂણતા કેળવવાની જરૂરીયાત પર ખાસ ભાર મુક્યો હતો. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રાજ્ય સરકાર બેરોજગરોને રોજગારી આપવા ભરતી મેળાનુ આયોજન કરી રહી છે તે સરકારની રોજગારી આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે. તેમણે ટેકનોલોજીના જમાનામાં જરૂરિયાત પ્રમાણે અભ્યાસ કરી આગળ વધવાની યુવાન યુવતિઓને શીખ આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે સ્વાગત પ્રવચન કરતાં આજના આ ભરતી મેળામાં ૩૮ જેટલી વિવિધ કંપનીઓમાં ૨૧૦૦ જેટલી જગ્યા નોટીફાઈડ થયેલ છે ત્યારે ઉપસ્થિત રોજગાર વાંચ્છુઓને તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. અંતમાં આભારવિધિ અંકલેશ્વર આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ રાવલે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાન યોગેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, રોજગાર અધિકારી એ.આઈ.સોલંકી સહિત આગેવાન – પદાધિકારીઓ, અધિકારીઓ અને રોજગારવાંચ્છુઓ મોટી સંભ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here