Connect Gujarat
ગુજરાત

ભરૂચ પોલીસે સાઇબર ક્રાઇમ ના બે ગુનાનો ભેદ ઉકેલ્યો 

ભરૂચ પોલીસે સાઇબર ક્રાઇમ ના બે ગુનાનો ભેદ ઉકેલ્યો 
X

વીજ કંપનીના મહિલા કર્મચારી અને ટ્રાવેલ્સ સંચાલક છેતરપિંડી નો ભોગ બન્યા હતા

ભરૂચ માં વીજ કંપની ના મહિલા કર્મચારી અને એક ટ્રાવેલ્સ સંચાલક સાઇબર ક્રાઇમ નો ભોગ બન્યા હતા, બંને અલગ અલગ બનાવ માં પોલીસે સાતિર દિમાગ બે આરોપીઓ ની ધરપકડ કરી હતી.

ભરૂચ માં વીજ કંપનીમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને બળેલી ખો વિસ્તારમાં રહેતા ગીતાબહેન સુરતી સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હતા. HDFC બેંકના કર્મચારીના નામે ફરિયાદી ગીતાબહેનને ફોન કરી તેઓ નો મેડીકલેઈમ પાક્યો છે એમ કહી લાલચ આપવામાં આવી હતી અને આ માટે તેઓ પાસે ટુકડે ટુકડે રૂપિયા ૧.૪૩ લાખ ભરાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ આરોપીએ ફોન બંધ કરી દેતાં ગીતાબહેનને પોતે છેતરાયા હોવાનો અફસોસ થયો હતો. આથી તેઓએ A ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાઇબર ક્રાઇમ અંગે ની તપાસ હાથધરી હતી અને જેમાં પોલીસ ને સફળતા મળી હતી. આરોપીઓ એ ગાઝીયાબાદની IDBI બેંકના એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા હતા. જેના આધારે પોલીસે આરોપી રણ વિજયસિંગ યાદવની ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવ માં ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા મિતેષ પીઠવાએ ટ્રીપ ટુ ગેટ વે નામની વેબસાઈટ થ્રુ હિમાચલ પ્રદેશ જવાનું બુકીંગ કરાવ્યુ હતુ. આ માટે ટ્રીપ ટુ ગેટ વે કંપનીનાં સંચાલકોએ તેઓ પાસે ટુકડે ટુકડે રૂપિયા 46,597 ભરાવ્યા હતા પરંતુ ફરિયાદીના ગ્રાહક જ્યારે હિમાચલ પ્રદેશ પહોંચ્યા ત્યારે હોટલમાં બુકીંગ તો થયુ હતુ પરંતુ નાણાની ચુકવણી થઈ ન હતી. ૪૬ હજાર રૂપિયા ભરવા છતાં ગ્રાહકોએ સ્વખર્ચે પ્રવાસ કરવો પડયો હતો. આ અંગે મિતેષ પીઠવાએ A ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રીપટુ ગેટ વે કંપનીના સંચાલક અને યુ.પીનો રહેવાશી મોહિત દેસ્વાલની ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ ભરૂચ પોલીસ ને સાઇબર ક્રાઇમ ના બે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આરોપીઓ ના રિમાન્ડ મેળવી ને આ ભેજાબાજો એ અન્ય લોકોની સાથે પણ આવા ગુના આચર્યા છે કે નહિ તે અંગેની તપાસના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે.

Next Story