Top
Connect Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાનપુર ખાતેથી રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાનપુર ખાતેથી રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો
X

આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯નો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. જ્યાં ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પણ તેઓએ પૂજન કર્યું હતું. કૃષિ મહોત્સવ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ ૧૬ લાભાર્થીઓને રૂા.૮.૪૫ લાખના ચેકોનું વિતરણ કારવામાં આવ્યું હતું.

રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. વધુમાં ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂત જગતનો તાત કહેવાય છે, પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા મુંખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે. રાજયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૮ લાખ ખેડૂતોને રૂા.૧૧૦૦/- કરોડની ઇનપુટ્સ સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે મગફળી, તુવેર, મગ, અડદ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.૯૭૦૦/- કરોડની ખેડૂતોને ચૂકવણી કરે છે. રાજયમાં સિંચાઇનો વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વન ડ્રોપ–મોર ક્રોપનો સંકલ્પ સાકાર કરવા પણ જણાવ્યું હતું. ખેડૂતોને સમયસર સારાયણિક ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ગુણવત્તાયુક્ત બિયારણો મળી રહે તે માટે રાજય સરકારે કરેલ આગોતરા આયોજનની માહિતી આપી હતી. ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ સુધીની કૃષિ લોન શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવી રહી છે. કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર સાથે પશુઆરોગ્ય મેળા યોજવામાં આવી રહયા છે. વિવિધ સંસ્થા, સંગઠનો દ્ધારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડુ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી જયદ્ધથસિંહ પરમારે જણાવ્યું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કાંતિકારી પરિણામો મળ્યા છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂા.૬૦૦૦/- હજારની સહાય આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર નામના મેળવી છે. તેમાં ગુજરાતનો સિંહ ફાળો છે. ગુજરાતે સર્વગ્રાહી કૃષિ વિકાસનું મોડલ સમગ્ર દેશમાં પ્રસ્તૃત કર્યું છે, એમ જણાવતા રાજય મંત્રી જયદ્ધથસિંહ પરમારે ઉમેર્યું કે, ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકારે ટેકાના ભાવે રૂા.૨૭૧૧.૬૮ કરોડની મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડાની ખરીદી કરી છે. કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ થવા સાથે તેમના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કૃષિ મહોત્સવ પ્રારંભમાં સૌનો આવકાર કરતા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યું કે, રાજયના ખેડૂતો આધૂનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી સમૃધ્ધિ મેળવે તે માટે રાજયમાં વર્ષ ૨૦૦૫થી કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્ધારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, જેવી ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તેમજ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાય સહિત કુલ રૂા.૮૦૦૦ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં સીધે સીધી જમા કરવામાં આવી છે. રાજય સરકાર વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ દર વર્ષે ૩૦ હજાર કરોડનો ખર્ચ ખેડૂતોના કલ્યાણ માટે કરી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે કૃષિ અને કૃષિકારોની આર્થિક સમૃધ્ધિ માટે સરકાર આગળ વધી રહી છે. પંચમહાલ જિલ્લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલે આભારવિધિ કરી હતી. પ્રગતિશીલ ખેડૂતોએ આધૂનિક ખેત પધ્ધતિઓ અપનાવી કરેલ પ્રયોગો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ અવસરે રાજય મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ યાદવ, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વ જેઠાભાઇ આહિર, સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મનિષાબેન પંચાલ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ એન.સી.પટેલ, પક્ષ અગ્રણી વિક્રમસિંહ ડીંડોર, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, એ.જે.શાહ, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ અને ખેડૂત સમુદાય હાજર રહયો હતો.

Next Story
Share it