/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Screenshot_2019-01-03-10-14-22.png)
કરજણ પોલીસ મથકની હદમાં આવેલા મેસરાડ ગામમાં મંદિરને શિંગડા ધસતા પાડાઓના માલિકને પાડા હટાવવાનું કહેતાં વસાવા સમાજના એક ઈસમને માર મારતા બે ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ તાલુકાના મેસરાડ ગામમાં રહેતા મેલાભાઇ શાંતિલાલ વસાવા ખેતરે જઇ રહ્યા હતા. તે વખતે ભાગોળમાં ભાથુજી મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના પટેલ મકબુલભાઇએ મેલાભાઇને બૂમ પાડીને કહ્યું કે પાડા ભાથુજીના મંદિર આગળ શિંગડા ઘસે છે અને મંદિરને નુકસાન તથા અપવિત્ર કરશે. તે માટે પાડાઓને હાંકીને દૂર કર જેથી મંદિરને શિંગડા ઘસી રહેલા બે થી ત્રણ પાડાઓને મેલાભાઇ ભગાડી રહ્યા હતા.
ત્યારે પાડાના માલિક દાઉદભાઇ અસ્માલ દાદાભાઇ તેમજ તેઓનો પુત્ર ઇકરામ દાઉદભાઇ દાદાભાઇએ પાડા હાંકી રહેલા મેલાભાઇને ગમે તેમ ગાળો બોલી ભીલડા તારી હિંમત કેટલી ? કે તેં મારા પાડાઓને ભગાડ્યા ? તેમ કહેતા મેલાભાઇએ જાતિ વિષયક ગાળો બોલવાનું ના પાડતા બાપ દીકરાએ ઉશ્કેરાઈ જઈ મેલાભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો તથા બાપ દીકરાઓએ મેલાભાઇ ઉપર ચઢી બેસી હાથ વડે માથામાં તેમજ આખા શરીરે આડેધડ ગડદાપાટુનો માર મારવા લાગતા મેલાભાઇની બૂમો સાંભળી ઉસ્માન યાકુબભાઇ પટેલ, અશ્વિન ડાહ્યાભાઇ પટેલ તથા તુષાર ભટ્ટે દોડી આવી વચ્ચે પડી મેલાભાઇને છોડાવ્યા હતા. બાપ દીકરાઓએ જતાં જતાં મેલાભાઇને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે સંદર્ભે મેલાભાઈ વસાવાએ દાઉદ દાદાભાઇ તથા ઇકરામ દાદાભાઇ વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.