/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/mid_day_meal.jpg)
ફૂડ ખાતાની સુસ્તીથી હજારો બાળકોના આરોગ્ય સાથે ચેડાં
વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને તે પૂરાવા સાથે કમિશનરને લેખિત રજૂઆત
રાજકોટ મનપાના ફૂડ વિભાગની ઘોર ઉપેક્ષાવૃતિના કારણે શહેરની હોટલો-રેસ્ટોરાં-રેંકડીઓનું નિયમિત ચેકીંગ તો નથી થતું પણ 25 હજાર બાળકો જે મધ્યાન્હ ભોજન જમે છે તેનું પણ ચેકીંગ નહીં કરાતું અને ગુણવત્તા નહીં જળવાતી હોવાનો ભાંડો ફૂટયો છે.
અધિકારીઓ આવા ચેકીંગનું પાયાનું કામ કરતા નથી ત્યારે ફરિયાદ અન્વયે કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે વોર્ડ નં.૧૩માં જુદી જુદી આંગણવાડીમાં રૃબરુ જઈને ચેકીંગ કરતા ત્રણ-ચાર વર્ષના બાળકો માટેના ભોજનમાં જીવાતો અને ધનેડાં નજરે પડયા હતા અને અન્ય ક્ષતિઓ પણ નજરે પડતા આ અંગે કમિશનરને આધારો સાથે રજૂઆત કરી છે.
આમ તો આવું ચેકીંગ ફૂડ 'ખાતા'એ અને અન્ય અધિકારીઓએ કરવાનું હોય છે પણ અધિકારીઓ આવી પાયાની કામગીરીમાં જ ઘોર લાપરવાહી દાખવતા રહ્યા છે. કોર્પોરેટરે જણાવ્યું કે બાળકોને અપાતા (૧) દાળમાં જીવાતો હતી (૨) શીરામાં ચોખ્ખુ ઘી નાંખવું જોઈએ જે પ્રથમ નજરે જ દેખાય તેના બદલે પાણી અને લોટમાંથી જ બનાવ્યાનું જણાતું હતું (૩) દાળમાં પાણી જ વધારે હતું (૪) આંગણવાડીમાં નાના ભુલકાં આવે છતાં ખુલ્લા ઈલેક્ટ્રીક વાયરો જોવા મળ્યા (૫) નાસ્તો એટલી હલકી ગુણવત્તાનો હતો કે ઢોર પણ ન ખાય.
આ કોર્પોરેટર અને પ્રભાત ડાંગરે આ વોર્ડની આંગણવાડી નં.૧૧૮, ઘટક૨, ૧૨૭, ૧૩૦, ૧૧૬, ૧૧૪નું ચેકીંગ કર્યુંતેમાં જીવાતો નીકળવા સહિતની જે ક્ષતિઓ નજરે પડી તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને તે પૂરાવા સાથે કમિશનરને લેખિત રજૂઆત કરીને જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી કરી છે. હવે કમિશનર પગલા લે છે કે થાબડભાણાં થાય છે તે જોવાનું રહે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આંગણવાડી તેમજ મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા આશરે ૨૫ હજાર બાળકો માટે શાસ્ત્રીમેદાન પાસે સેન્ટ્રલ રસોડામાં રસોઈ બનાવાય છે, મનપાએ એ સ્થળથી માંડીને બાળકોને વાસણમાં પીરસાયેલા ભોજનના નિયમિત નમુના લેવા જોઈએ.ઉપરોક્ત બેદરકારી તો પ્રથમનજરે જ જોઈ શકાય પણ મનપાના અફ્સરો આવા પાયાના કામમાં ઘોર લાપરવાહી દાખવી રહ્યાની હકીકત બહાર આવી હતી.