વડોદરા : વિશ્વ ગર્લ ચાઇલ્ડ ડે ના દિવસે જ ગુગલીયાપુરાથી મળ્યું ધુલ કા ફુલ

એક તરફ શુક્રવારે સમગ્ર દેશમાં વિશ્વ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોઇ નિષ્ઠુર જનેતા વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામના તળાવના કિનારે નવજાત બાળકીને ત્યજીને ફરાર થઇ ગઇ હતી. તળાવના કિનારેથી રડવાનો ગામની વ્યક્તિએ અવાજ સાંભળતા પોલીસને જાણ કરી હતી.
વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ગુગલીયાપુરા ગામમાંથી ગામના તળાવના કિનારે એક નવજાત બાળકીને જોતા ગામલોકો એકત્ર થઇ ગયાં હતાં. તેમણે તાત્કાલિક વાઘોડીયા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર દોડી આવી માસુમ ફુલ જેવી બાળકીનો કબજો મેળવી તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે નવજાત બાળકીને ત્યજીને ફરાર થઇ ગયેલી અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ મહિલાએ કયા કારણોસર પોતાની નવજાત બાળકી ત્યજી દીધી તે અંગેની વિગત મહિલા મળ્યા પછી બહાર આવશે. ઉલ્લેખનિય છે કે, આજે વિશ્વમાં ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી કરાઇ રહી છે ત્યારે જ એક નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે.