/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/valsad.jpg)
વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી સુરતના રહીશોની કાર બેથી ત્રણ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જે બાબતે સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
વાપીથી સુરત તરફ જવા માટે નીકળેલી અર્ટિકા કાર (નંબર જીજે 05 જેએમ 8484)ના ચાલકે વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થતી વેળા કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર હાઇવે પર જ બે થી ત્રણ વાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સુરતના ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.
જોકે હજુ અકસ્માતમાં મોતને ભેટનાર તથા ઇજા પામનારા વ્યક્તિઓની ઓળખ હજુ થઇ શકી નથી. પોલીસે મૃતક વ્યક્તિઓ અને ઇજા પામેલ વ્યક્તિઓ સુરતના કયા વિસ્તારના રહીશ છે, તે બાબતે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આ બાબતે સત્તાવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.