શિક્ષકોના આ કાર્યથી ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે,વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.

New Update
શિક્ષકોના આ કાર્યથી ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે,વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.

હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો દેશમાં ગરીબી ઓછી થઈ હોય એવું લાગતું નથી. મેગાસીટીઓમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઉભેલી હોય ત્યારે ગાડીનો બંધ કાચ ખખડાવી મોટે ભાગે નાના બાળકો જ ભીખ માંગતા નજરે ચઢે છે,તેઓ ફક્ત પોતાના પેટનો ખાડો પુરવા જ આમ કરતા હોય છે.જો એવા ગરીબ લોકોને એક ટંકનું ખાવાનું જો નસીબ ન હોય તો ભણતરની વાત જ શું કરવી. આવો જ અનુભવ નર્મદા જિલ્લાના શિક્ષકોને પણ થયો ત્યારે એમણે આવા જરૂરિયાતમંદો માટે કંઈક કરવાનું મનોમન નક્કી કરી લીધું.

નર્મદા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ મહાજન,નમીતાબેન મકવાણા,રાકેશભાઈ પંચોલી,કલ્પેશભાઈ ચૌહાણ,બિપિનભાઈ વ્યાસ,નિવિદભાઈ વાજા,જયભાઈ જોશી,ચિરાગભાઈ મપારા,મહેન્દ્રભાઈએ પ્રથમતો ભિક્ષુકોના પેટનો ખાડો પુરવાનું નક્કી કર્યું.આમ તો નોકરી કરતી મહિલાઓને ઘરની પણ જવાબદારી હોય છે તે છતાં પણ નમિતાબેન આ સેવાકીય કાર્યમાં જોડાયા છે.તમામ શિક્ષકોએ દર ગુરુવારે સાંજે એક "અન્નપૂર્ણા રથ" નામની વાન બનાવી છે જેમાં અમુક માત્રામાં શુદ્ધ શાકાહારી ભોજન બનાવી રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ભિક્ષુકો અને ગરીબ લોકોને શોધવા નીકળી પડે છે અને ભોજન કરાવે છે.

આ કાર્ય દરમિયાન એમણે એવું પણ જોયું કે અમુક લોકો પાસે તો પહેરવાના કપડાનો પણ અભાવ હતો,જેથી એમણે શહેરના લોકો પાસેથી એવા કપડા ઉઘરાવવાની શરૂઆત કરી કે જે કપડા તેઓ પહેરતા ન હોય.એ ઉઘરાવેલા કપડા માંથી પહેરવા યોગ્ય કપડાં તેઓ અલગ કરી એને ધોઈ ઈસ્ત્રી કરી અને અન્નપૂર્ણા રથની સાથે સાથે વસ્ત્રપરબ ચલાવી જરૂરિયાત મંદોને કપડાનું પણ વિતરણ કરે છે.ઉઘરાવેલા કપડા માંથી જે પેહેરવા લાયક કપડા ન હોય એ કપડા તેઓ એક સંસ્થાને આપે છે,જે સંસ્થા એ કપડાનો ઉપયોગ વિદ્યાર્થીઓના પ્રોજેકટ બનાવવા માટે કરે છે.

ગરીબો લોકો આર્થિક સંકડામણને લીધે ભણવા માટે અન્ય પુસ્તકો પણ ખરીદી શકતા નથી.ગરીબ લોકોના બાળકોને પણ એનો લાભ મળે એ માટે શિક્ષકોએ પુસ્તક પરબની પણ શરૂઆત કરી છે.જેમાં જે લોકોએ પુસ્તકો વાંચી લીધા હોય,પોતાના બાળકોનો અભ્યાસ પૂરો થઈ ગયો હોય અને એ પુસ્તકો પડી રહયા હોય એવા તમામ પુસ્તકો આ શિક્ષકો લાવી અને જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તક પરબના માધ્યમથી શાળાકીય અભ્યાસ માટે આપે છે જેથી ગરીબ વિદ્યાર્થીઓને પણ હવે અભ્યસ હાલ એમની પુસ્તક પરબમાં ધાર્મિક,નોવેલ,મોટીવેશનલ અને જનરલ નોલેજના પુસ્તકોનો પણ ભંડાર થયો છે,સામે કોઈક પુસ્તક જો આપે તો એના બદલીમાં વ્યક્તિને એ પુસ્તકો પણ તેઓ વિનામૂલ્યે આપે છે.

આ શિક્ષકોને સેવાકીય કાર્યની શરૂઆતમાં નાણાકીય ઘણી તકલીફો પડી પરંતુ જેમ જેમ આ બાબતે લોકો જાણતા થયા તેમ તેમ શિક્ષકોને દાતાઓ પણ મળતા ગયા.હાલમાં અન્નપૂર્ણા રથ માટે લોકો નાણાકીય નહિ પરંતુ વિવિધ સામગ્રીઓ આપે છે.સાથે સાથે પુસ્તક પરબ માટે એમને એક સંસ્થાએ દાન કર્યું છે,જેથી સારા સારા વિષયોના પુસ્તકો હવે તેઓ પસ્તી માંથી પણ ખરીદે છે.આ કાર્યની સાથે સાથે નર્મદા જિલ્લાના આ શિક્ષકોની ટીમ શિયાળામાં ધાબળા,ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં છત્રીનું પણ જરૂરિયાત મંદોને વિતરણ કરે છે.ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે નર્મદા જિલ્લાના આ તમામ શિક્ષકોના સેવાકીય કાર્યથી આજે ભિક્ષુકોના પેટનો ખાડો પુરાય છે સાથે સાથે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો પણ લાભ મળે છે.