/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-214.jpg)
સુરત શહેરના દાંડી રોડ ખાતે આવેલ પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલય શાળામાં આજરોજ સવારે શાળા શરૂ થાય તે પહેલાં જ એક વર્ગ ખંડમાં અચાનક આગ લાગી હતી. આગના પગલે સુરત ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ૪ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો.
વહેલી સવારે શાળા શરૂ ન થઈ હોવાના કારણે વિદ્યાર્થીઓ આવ્યા ન હતા, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલય શાળા ખાતે ફાયર ઓફિસરે આગ લાગવાની ઘટના બાબતે તપાસ હાથ ધરતા શાળામાં ફાયર એન્ડ સેફ્ટીના સાધનો નજરે પડ્યા ન હતા. વધુમાં શાળા પાસે પાલિકાનું એન.ઓ.સી. પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તંત્ર દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળા દ્વારા એન.ઓ.સી. નહીં રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને સીલ રાખવામાં આવશે. સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે આજરોજ ફાયર વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. છતાં પણ કેટલીક શાળા અને ટ્યૂશન સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.