સુરત : સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં ૬ લોકો ફસાઈ જતા મચી ભાગદોડ

New Update
સુરત : સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં ૬ લોકો ફસાઈ જતા મચી ભાગદોડ

સુરતની હોસ્પિટલમાં લિફ્ટમાં સગર્ભા,108ના કર્મચારી સહિત છ ફસાયાં, રાત્રે દરવાજો તોડી કલાકે કાઢ્યા બહાર ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા ૬ લોકોને ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢ્યા,સગર્ભાને સ્ટેચર સાથે લિફ્ટમાંથી બહાર કાઢી

સુરતની સ્મીમેર હોસ્પિટલની પાંચ નંબરની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. સગર્ભા સહિત બે દર્દી તેમજ 108ના ૩ કર્મચારી અને એક દર્દીના સગા ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગયા હતા. જેથી ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી સફળતા પૂર્વક હેમખેમ બહાર કાઢ્યા હતા. અને લિફ્ટમાં ફસાયેલી સગર્ભા મહિલાને સ્ટેચર સાથે બહાર કાઢી હતી.

આ બનાવ બાબતે વિશાલ પરસાલા (108 EMT, નવજીવન)એ જણાવ્યું હતું કે, રાત્રીના ૧૧.૩૫ વાગ્યાનો વડોદ ગામ પાંડેસરામાં પ્રસૂતાની પીડાનો કોલ હતો. જ્યાંથી ૧૯ વર્ષના વર્ષાદેવી દિપકભાઇ શર્માને ૯માં મહિને પ્રસૂતાની પીડા ઉપાડતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં લિફ્ટની મદદથી સગર્ભા વર્ષાદેવી અને તેમના પરિવારના સભ્યોને પાંચ નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા.

ત્યારે અચાનક લિફ્ટ બંધ થઇ જતા દર્દી અને તેમના સગાઓમાં ગભરામણ ઉભી થઇ હતી. દર્દીઓની લિફ્ટમાં બે સ્ટેચર પર બે દર્દી, બે પાઇલોટ, એક EMT અને એક દર્દીના સગા હતા. ૧૨.૨૩ વાગ્યાના લિફ્ટમાં ફસાયા હતા. કોઈ પણ મદદે આવ્યું ન હતું. જેથી સૂઝબૂઝ વાપરી તાત્કાલિક ફાયરમાં ફોન કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને લગભગ ૫૦ મિનિટ બાદ તમામને બહાર કઢાયા હતા.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ફાયરના જવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. સૌપ્રથમ પાંચમાં માળેથી ફાયરના જવાનોએ લિફ્ટનો દરવાજો ખોલી સગર્ભા વર્ષાદેવીને સ્ટેચર સાથે બહાર કાઢ્યા હતા અને પ્રસૂતાને વોર્ડમાં લઈ ગયા હતા.

ત્યારબાદ બીજા દર્દીને અને પછી સગા અને ત્યારબાદ 108ના કર્મચારીઓને બહાર કાઢ્યા હતા.લિફ્ટમાં પંખો પણ ચાલતો ન હતો. બીજી બાજુ લિફ્ટમાં ફસાયા હોવાની જાણ બાદ વર્ષાદેવી ગભરાય ગયા હતા. જોકે, સંજોગોવસાત કોઈ નુકશાન થયું ન હતું.

Latest Stories