સ્ત્રી - એક ગઝલ

New Update
સ્ત્રી - એક ગઝલ

દક્ષિણ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓને પ્રજ્વલિત રાખતી સંસ્થા સૂર્યનગરી સુરતમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. તા. ૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ગુજરાતમાંથી મુખ્યત્વે પદ્યમાં સર્જન કરતી સર્જીકાઓ મળી. એના પરિપાકરૂપે સુરતના પૂર્ણિમાબહેન ભટ્ટના નેતૃત્વમાં ડૉ. જીજ્ઞાસા ઓઝા, અમદાવાદના શીતલ ગઢવી અને ભરૂચના કિરણ જોગીદાસે સ્ત્રી : એક ગઝલ ગૃપનું સર્જન કર્યું જે આગામી દિવસોમાં ગુજરાતભરમાં ગઝલયાત્રા કરશે.

રવિવાર, તા. ૧૯મી નવેમ્બર ૨૦૧૭ના સાંજે ૬:૩૦ કલાકે ન્યૂ સેમિનાર હોલ, શ્રી જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ ખાતે ૨૪૭મી બૂક લર્વસ મીટમાં રજૂ થયેલ ગઝલયાત્રાના અંશો.

publive-image

એકેય શાબાશી જેના ભાગે આવી નહિ

એ વાંસાને પંપાળી લીધો : લ્યો ત્યારે

રંગ શબ્દનો મેલોઘેલો દીઠો

એને સો ગરણે ગાળી લીધો : લ્યો ત્યારે

રાજૂલા ભાનુશાલી (મુંબઈ)

પારકાના ત્રાજવે મન જોખવાં બેઠાં

ભર બજારે જાતને ખુદ વેચવા બેઠાં

ભીતરે થીજી ગયેલા રક્તની ઠંડી અને

હૈયુ બાળી હાથ એમા સેકવા બેઠા.

કિરણ જોગીદાસ ‘રોશન’ (ભરૂચ)

બેય બાજુ હાજવાનુ હોય છે

જ્યાં કશુંએ ધારવાનું હોય છે

બે મળે માણસ અહીંતો, સળગશે

આપણે તો ઠારવાનું હોય છે.

ડૉ. જિજ્ઞાસા ઓઝા ‘પ્રકૃતિ’ (સુરત)

ના લગીરે બબાલ જોઈએ

અબ ઘડી તારુ વ્હાલ જોઈએ

માણવી છે શરદ ઋતુ મારે

હૂંફમાં તારી શાલ જોઈએ.

શિતલ ગઢવી ‘રાગ’ (અમદાવાદ)

આ ગઝલને શબ્દનું બાંધેલું દેરુ હોય છે

ને અંધારની કંદરામાં મૌન ઘેરું હોય છે

ઠોકરો ખાધા પછી ઠપકારશો ના ઠેસને

પત્થરોમાં પણ છૂપાયેલ પગેરુ હોય છે.

પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’ (સુરત)

ઠાઠ તો છોને નવાબી હોય પણ

ભાગ્યમાં ખાના ખરાબી હોય પણ

રંગ કાળોને વળી હો કદરૂપો

એ હ્રદયથી તો ગુલાબી હોય પણ

ઉર્મિ પંડિત (અમદાવાદ)

જિંદગીને માણવાની હોય છે

એક ઈચ્છા રાખવાની હોય છે

ખીલતીને મુરઝાતી જિંદગી

હરદશાને ચાહવાની હોય છે

ભારતી ગડા (મુંબઈ)

મન હ્રદયથી પીર છું

શક્તિની તસવીર છું

ખેંચશો હારી જશો

દ્રોપદીનું ચીર છું

રક્ષા શાહ (મુંબઈ)

છે ચાર દી'નો ખેલ કબીરા

જીવન સરતી રેત કબીરા

રેશમ છોયા દેહ કબીરા

ડગલે પગલે છેહ કબીરા

નલીની સોલંકી 'નિશી' (બરોડા)

કદી ખુદની ભીતર નજર તો કરી જો

તને મળશે કોઈ અજાણ્યું મળીજો

આ ભીંતો તરત બાથમાં લઈ જ લેશે

અરે, એની સામે તુ થોડું રડી જો !

પૂર્વી બ્રહ્મભટ્ટ (અમદાવાદ)

ઉઝરડા પડ્યા કેવા લાગણીને

મલમ કોઈ તો આપો આદમીને

ખિલીને રહેવું શું હોય તેની

ખબર હોય તો શું આ ડાળખીને

કાજલ કાંજિયા 'ફીઝા' (નવસારી)

એવું નથી તારી યાદ આવતી નથી

પહેલાની જેમ એ હંફાવતી નથી

રમત તને જ આવડે છે એમ ના સમજ

સારું છું કોઈ દાવ હું અજમાવતી નથી.

હું જ પવન છું હું જ ચિનગારી

ચેતજે દિવાસળી પણ છું

હું નથી સીતાને એ રાવણ નથી,

તો ય લક્ષ્મણરેખા ઓળંગવી પડી,

લીલ તો પત્થર પર બાઝી હતી

રેત પર કેવી રીતે લપસી પડી.

બિનિતા પુરોહિત (મુંબઈ)