Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા કલેકટરે માર્ગ અને મકાન વિભાગની સીટી ડિવિઝન શાખાને તાળુ મારી દેતા દોડધામ

ભરૂચ જીલ્લા કલેકટરે માર્ગ અને મકાન વિભાગની સીટી ડિવિઝન શાખાને તાળુ મારી દેતા દોડધામ
X

રાતોરાત વડોદરા ડીવીઝનના અધિકારીઍ દોડી આવી કલેકટર સાથે મીટીંગ કરી સમજાવતા સવાર થતા પહેલા તાળા ખોલ્યા હોવાના અહેવાલ

ભરૂચ દહેજ રોડ ઉપર વરસાદના કારણે ઠેર–ઠેર ખાડાઓ પડી જતા અનેક ફરીયાદો થવા છતાં પણ રોડ મરમ્મત હાથ ન ધરાતા આખરે ગરમાયેલા જિલ્લા કલેકટરે આ રોડ માટેની જેની જવાબદારી હોય છે તેવા માર્ગ અને મકાન વિભાગની સીટી ડિવિઝનની કચેરીને તાળા મારી દેતા ખળભળાટ ઉભો થયો હતો. કચેરીને તાળા વાગી જતા અધિકારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી રાતોરાત આર.ઍન્ડ બી. વડોદરા વિભાગના અધિકારીઓ ભરૂચ દોડી આવ્યા હતા. જેમણે જિલ્લા કલેકટર સાથે મીટીંગ કરતા આખરે સવાર થતા પહેલા જ તાળા ખુલી ગયા હતા.

ભરૂચ દહેજ બાયપાસ રોડ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. આ રોડ ઉપર ચોમાસાના પહેલા તબક્કાના વરસાદમાં જ ધોવાઇ જતા ઠેર–ઠેર ખાડાઓ પડયા છે. બાયપાસ રોડ પર જંબુસર ચોકડી ઓવરબ્રીજ અને નંદેલાવ ઓવરબ્રીજ પરના માર્ગમાં ગાબડાઓ પડતા કોંક્રીટની અંદરના સળિયાઓ પણ બહાર દેખાવા લાગ્યા છે. જંબુસર ચોકડી ઉપરનો રોડ પણ ધોવાઇ જતા વાહનચાલકો અને લોકોની હાલત દયનીય બની છે. રોડની આસપાસની સોસાયટીઓના રહીશોઍ આ અંગે વિરોધી દેખાવ કરવા સાથે જે તે વિભાગના અધિકારી અને કલેકટરને પણ રજુઆતો કરી હતી. છતાં તંત્ર નિંદ્રાધીન રહેતા રોડની મરમ્મત હાથ ન ધરાવાના કારણે લોકોનો રોષ બેવડાયો હતો. ગરમાયેલા લોકોઍ મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજુઆત કરવા ઉપરાંત ગતરોજ સંપર્કસેતુ માટે ભરૂચની મુલાકાત માટે આવેલા ગૃહમંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રજુઆત કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="57197,57198,57199,57200,57201,57202,57203"]

ભરૂચ સંપર્ક સેતુ બાદ પ્રદિપસિંહ જાડેજા આમોદ જવાના હોય તેઓ જંબુસર ચોકડી પરથી પસાર થયા હતા. જ્યાં તેમણે રોડની હાલત જાઇ તંત્રને ટકોર કરી હોવાના અહેવાલ મળી રહયા છે. જેના પગલે ગરમાયેલા કલેકટરે આખરે આ રોડ જે વિભાગમાં લાગે છે તેવા માર્ગ અને મકાન વિભાગ સીટી ડિવિઝન પર ગુસ્સો ઉતાર્યો હતો. જિલ્લા કલેકટરે ગતરોજ સાંજે માર્ગ અને મકાન વિભાગ સીટી ડિવિઝનની કચેરીને તાળા મારી દેતા બનાવની જાણ થતા જ વડોદરા વિભાગના અધિકારીઓ રાતોરાત ભરૂચ ખાતે દોડી આવ્યા હતા. જેમણે જિલ્લા કલેકટર સાથે બેસી સમજાવટથી કામ લેતા આખરે કલેકટરે કુણું વલણ અપનાવતા સવાર થતા પહેલા જ તાળાઓ ખુલી ગયા હોવાના અહેવાલ મળી રહયા છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.ઍફ.શાહ અને નાયબ કાર્યપાલક ઇજનેર અનીલ વસાવાનો સંપર્ક થઇ શકયો ન હતો.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોની અનેક રજુઆતો તથા દેખાવો છતાં પણ આંખ આડા કાન કરનાર મા. અને મ. વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા હતા. ગૃહમંત્રી પ્રદિપસિંહની ભરૂચ મુલાકાત અને કલેકટરના પગલાના કારણે ફફડી ઉઠેલ માર્ગ અને મકાન વિભાગ વડોદરાના અધિકારીઓની ટીમ ભરૂચ દોડી આવી હતી. જેમણે મા.મ. વિભાગ ભરૂચ ડિવિઝનના અધિકારીઓને સાથે રાખી દહેજ બાયપાસ રોડની તત્કાલ વીઝીટ કરી મરમ્મત હાથ ધરાવી હતી.

Next Story