Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિના હસ્તે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું થશે ઉદ્દઘાટન

રાષ્ટ્રપતિના હસ્તે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું થશે ઉદ્દઘાટન
X

અહેમદ પટેલના પ્રયાસોથી અંદાજીત 50 કરોડના ખર્ચે સરદાર પટેલ હોસ્પિટલનું નિર્માણ કરાયુ

ભરૂચમાં સેવાશ્રમ તેમજ અંકલેશ્વરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવશે. રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસો થકી બંને હોસ્પિટલોની કાયાકલ્પ કરવામાં આવી છે.

રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ છે. તેઓના પ્રયાસોથી 130 કરતા વધુ બેડ સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલનું તારીખ23 મીના રોજ દેશના 13માં રાષ્ટ્રપતિ 64 વર્ષ બાદ ઉદ્દઘાટન કરશે. વર્ષ 1952માં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન થયુ હતુ. જોકે, 64 વર્ષના સમયગાળામાં અનેક થપાટો બાદ હોસ્પિટલને સારવારની જરૂરીયાત ઉભી થઇ હતી અને અહેમદ પટેલના સક્રિય પ્રયાસો થકી સેવાશ્રમ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

જયારે અંકલેશ્વર શહેરના રેલવે ગોદી પાસે ત્રણ દાયકા અગાઉ શ્રી સરદાર પટેલ હોસ્પિટલ પણ સાંસદ અહેમદ પટેલના પ્રયત્નો થકી શરુ થઇ હતી. જે હોસ્પિટલ માટે વર્ષ 17-06-1979માં અંકલેશ્વરના રહીશ અને સામાજિક આગેવાન નાનુભાઈ દુલાભાઇ પટેલ દ્વારા સારી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે 35,863 ચો.ફુ જમીન ડોનેટ કરાઇ હતી અને અહેમદ પટેલ દ્વારા આ કાર્યને વેગવંતુ કરીને 30 વર્ષ પહેલા 20 લાખના ખર્ચે હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી.

આ હાસ્પિટલનું ઉદ્ઘાટનકથાકાર મોરારી બાપુના હસ્તે વર્ષ 1988માં કરવામાં આવ્યુ હતુ. જોકે માત્ર જનરલ ઓપીડી સહિતની સેવા દ્વારા ચાલતી સરદાર પટેલ હોસ્પિટલને ધબકતી રાખવા માટે અહેમદ પટેલે વર્ષ 1997-98 બાદ હોસ્પિટલની કમાન જે.બી.કેમિકલના ચેરમેન જ્યોતિભાઈ મોદીને સોંપી હતી.

જયારે ભરૂચ જીલ્લામાં હૃદય રોગની સારવારની ઉણપને દૂર કરવા માટે વર્ષ 2013-14માં સરદાર પટેલ હોસ્પિટલની કાયાકલ્પ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને સંપૂર્ણ હોસ્પિટલને જમીનદોસ્ત કરીને દાજીત રૂપિયા 50 કરોડના ખર્ચે શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં હૃદય રોગ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેકોલોજિસ્ટ, ઇએનટી, ન્યુરો સર્જન, ન્યુરો ફિઝીશ્યન, ન્યુરો લોજિસ્ટ, લેપ્રોસ્કોપી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ ઉદાણીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અહેમદ પટેલના પ્રયાસો થકી નિર્માણ પામેલ હોસ્પિટલનું ઉદ્દઘાટન તારીખ 23મી ઓક્ટોબરના રોજ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે થશે. જયારે આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ, કથાકાર પૂજ્ય મોરારીબાપુ, જે.બી કેમિકલના દિનેશભાઇ મોદી સહિત દેશના ઉદ્યોગ અગ્રણીઓ તેમજ દેશભરમાંથી નિષ્ણાંત તબીબો તેમજ કોંગ્રેસના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે.

Next Story