ગોઝારો બુધવાર : વડોદરા સહિત પાંચ સ્થળોએ ગમખ્વાર અકસ્માત, 17નાં મોત અનેક ઘાયલ

New Update
ગોઝારો બુધવાર : વડોદરા સહિત પાંચ સ્થળોએ ગમખ્વાર અકસ્માત, 17નાં મોત અનેક ઘાયલ

કોઈ માં ના દર્શને જઈ રહ્યું હતું તો કોઈ માતાનાં દર્શનથી પરત થઈ રહ્યા હતા

ખુશીઓનાં પર્વમાં ગમગીની છવાઈ રહી છે. નવા વર્ષના પ્રારંભમાં રાજ્ય રક્તરંજિત થયું છે. એક પછી એક ચાર સ્થળોએ અકસ્માતની ગોઝારી ઘટનાઓ બની છે. વડોદરામાં મળસ્કાનાં સમયે સર્જાયેલ અકસ્માતમાં 11 લોકોનાં મોતથી કરુણાંતિકા સર્જાય છે. તો સુરેન્દ્રનગરમાં 4 નાં મોત અને આણંદમાં 2 નાં મોતથી રાજ્યની ધોરીમાર્ગો ખૂનથી લથપથ થઈ ગઈ છે. આ સિવાય સુરત અને નવસારીમાંથી પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે.

નવા વર્ષની શરૂઆત રાજયમાં જાણે નવી આફતથી શરૂ થઈ છે. રાજયમાં એક બાદ એક પાંચ અકસ્માતની ગોઝારી ઘટનાઓ સામે આવી છે. નવસારી, સુરત, વડોદરા, આણંદ અને સુરેન્દ્ર નગરમાં બેક ટુ બેક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપરનાં વાઘોડિયા ચોકડી બ્રિજ રાત્રિનાં 3 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શન જતાં આઈશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ટેમ્પોમાં સવાર 11 લોકોનાં મોત અને 17 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતાં રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે.

ખુશીનાં તહેવારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતનાઓએ ટ્વિટ કરી દુખની લાગણી વ્યક્ત કરી છે. આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ઘાયલોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.

સુરેન્દ્રનગરના લખતર રોડ ઉપર કોઠારીયાના પાટીયા નજીક કાર ચાલકને ઝોકું આવી જતાં સર્જાયેલ અકસ્માતમાં લખતરના કુંભાર-પ્રજાપતિ પરિવારના ૪ના મોત થયા છે. જયારે એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતા કુંભાર પ્રજાપતિ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં ત્યારે કારચાલકને ઝોંકું આવી જતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી.

રાજયમાં વધુ એક અકસ્માતની ઘટના આણંદ જીલ્લામાં બની હતી. આણંદનાં કુંજરાવ માર્ગ પર એક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સહિત સવાર લોકો ભાલેજ ચા પીને ત્રણોલ ગામ જય રહ્યા હતા તે દરમિયાન સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. ખાંભોળજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લામાંથી પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં કડોદરા બારડોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં દસ્તાન ફાટક પાસે 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બંને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે.

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થયો છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ બસ અથડાઈ હતી. MPથી મુંબઈ પાલઘર શ્રમિકોને લઈને બસ જતી હતી. તે વેળા અકસ્માત સર્જાયો હતો. બસના ક્લીનર અને એક બાળકી સહિત 3ને સામાન્ય ઈજા પહોંચી છે. જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

Latest Stories