-
હાંસોટ જિ.પં.બેઠક પર કાંટે કી ટક્કર
-
રાજ્ય મંત્રીના ભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી
-
વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી ભર્યું ઉમેદવારી પત્ર
-
વિધાનસભા ચૂંટણીમાં બંને ભાઈઓ સામસામે મેદાનમાં ઉતર્યા હતા
-
હાંસોટ જિ.પં.ની બેઠક પર સૌની મીટ મંડાઈ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક અલગ જ માહોલ સર્જાયો છે,હાંસોટ જિલ્લા પંચાયતની બેઠક પર રાજ્યક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના સગા મોટા ભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે,જ્યારે બીજી તરફ ખરચ જિલ્લા પંચાયત બેઠક પર પણ કોંગ્રેસમાંથી મંત્રીના ભત્રીજા વહુ ફોરમ ધવલસિંહ પટેલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે અનેક વિચિત્ર અને રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં એક એવો બનાવ બન્યો છે,જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.ભરૂચ જિલ્લાની હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વલ્લભ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.
ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વલ્લભ પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસના બેનર હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વલ્લભ પટેલનો પરાજય થયો હતો.
જ્યારે હાંસોટની જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપમાંથી મગન પટેલે ઉમેદવારી નોંધાવી છે,જોકે રાજકીય ચર્ચાઓની વચ્ચે એક રસપ્રદ બાબત એવી પણ સામે આવી છે કે મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા વહુ ફોરમ પટેલે ખરચ જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે,જયારે તેમને ટક્કર આપવા માટે અનસૂયા પટેલે ભાજપમાંથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.
ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે,ત્યારે હાંસોટ જિલ્લા પંચાયતની બેઠક પર સૌ કોની નજર રહેશે,અને આ બેઠક પર કમળ ખીલશે કે મતદારો પંજાને સાથ આપશે! તેવી ઉત્તેજના સભર ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
