અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળમાં ફરી એકવાર એકતાનો ગુંજારવ જોવા મળ્યો છે. પ્રમુખ બી.એસ.પટેલ તથા માનદ મંત્રી કિરણસિંહ પરમારની આગેવાની હેઠળ પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી આ વર્ષે પણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 26 વર્ષથી આ મંડળમાં ચૂંટણી યોજવાની જરૂર પડી નથી, જે ઉદ્યોગકારોની પરસ્પર સંમતિ અને વિશ્વાસનું પ્રતીક છે.
ચાલુ વર્ષે પાનોલી ઉદ્યોગ મંડળની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં જનરલ કેટેગરીમાં 3 વર્ષ માટે 6 બેઠકો અને 1 વર્ષ માટે 1 બેઠક ખાલી હતી.જયારે રિઝર્વ કેટેગરીમાં 3 વર્ષ માટે 2 બેઠકો ખાલી હતી.

ચૂંટણી અધિકારી સમક્ષ જનરલ કેટેગરીમાં કુલ 7 અને રિઝર્વ કેટેગરીમાં 1 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ તમામ ફોર્મ માન્ય ઠર્યા હતા અને બેઠકોની સંખ્યા સામે પૂરતા જ ઉમેદવારો હોવાથી, ચૂંટણી સમિતિ દ્વારા તમામ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ ચૂટણીમાં જનરલ કેટેગરીમાં ગુજરાત કેમિકલ કોર્પોરેશનના કિરણસિંહ પરમાર,નુથર્મ સ્ટાયરો પેક પ્રા.લીના મહેબૂબ ફીજીવાલા,પરમ કેમિકલ્સ પ્રા.લી.ના પંકજ ભરવાડ,પ્રોલાઈફ બાયો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના કરણ જોલી,શ્રીનાથ એન્ટરપ્રાઇઝના દિલીપ જીયાની,કોસ્કેમ ઇન્ડસ્ટ્રીઝના પરેશ અસ્લોટ,રિદ્ધિ લાઈફ કેરના હેમંત પટેલ,જ્યારે રીઝવ કેટેગરીમાં નિયમ ઇન્ડસ્ટ્રીઝના વિનોદ જોષી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
પાનોલી ઉદ્યોગ મંડળ છેલ્લા 26 વર્ષથી બિનહરીફ વરણીની પરંપરા જાળવી રહ્યું છે. બી.એસ. પટેલ અને કિરણસિંહ પરમારના સબળ નેતૃત્વમાં ઉદ્યોગકારોએ એકમત થઈને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે આ વખતે પણ કોઈ જ વિરોધ કે અન્ય પેનલ મેદાનમાં આવી નહોતી. આ જાહેરાત થતા જ પાનોલી ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને નવનિયુક્ત કમિટી સભ્યોને ઉદ્યોગકારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
