વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે અરવિંદ લિમિટેડની અત્યાધુનિક ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે રૂપિયા 150 કરોડના રોકાણ સાથે 5.5 એકરના વિશાળ વિસ્તારમાં તૈયાર કરાયેલો આ પ્લાન્ટ ઉત્તરપ્રદેશમાં અરવિંદ લિમિટેડનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે.65,000 ચોરસફૂટનું બાંધકામ ધરાવતી આ ફેસિલિટી વાર્ષિક રૂ.250 કરોડની આવક સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ અદ્યતન પ્લાન્ટમાં ઓટોમેટેડ સિલાઈ ટેક્નોલોજીથી નીટવેર પ્રોડક્ટ્સ તૈયાર કરાશે. આ પ્રોજેક્ટથી 1000થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં મુખ્યત્વે મહિલાઓનો સમાવેશ થાય છે.

ઉદ્ઘાટન પ્રસંગે અરવિંદ લિમિટેડના ચેરમેન સંજય લાલભાઈ, વાઈસ ચેરમેન પુનિત લાલભાઈ અને કુલીન લાલભાઈએ વડાપ્રધાનનું સ્વાગત કરી સમગ્ર પ્લાન્ટની મુલાકાત કરાવી હતી. લાલભાઈ ગ્રુપે જણાવ્યું કે આ રોકાણથી મહિલા સશક્તિકરણ, રિવર્સ માઇગ્રેશન અને સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે, જે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.