સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને ઊર્જા ભૂમિના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી હતી. ખાસ કરીને મહિલાઓએ સોનાના વધતા ભાવોની પરવા કર્યા વગર પોતાના કિંમતી આભૂષણો દાનમાં અર્પણ કરીને ભક્તિ અને ત્યાગનો નવો ઈતિહાસ રચ્યો છે.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં દાન આપવા માટે ભારે હોડ જામી હતી. અનેક શ્રાવિકાઓએ હસતા મુખે પોતાના ગળામાંથી સોનાની ચેન, હાથની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને આંગળીમાંથી હીરાની વીંટીઓ ઉતારીને દાનપાત્રમાં પધરાવી દીધી હતી. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન ત્યારે થયા જ્યારે અનેક મહિલાઓએ અત્યંત પવિત્ર ગણાતા મંગળસૂત્ર પણ ઊર્જા ભૂમિના સંકલ્પ માટે અર્પણ કરી દીધા હતા. આ દ્રશ્ય જોઈ શ્રેષ્ઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.