અમદાવાદ : શાળા ફી મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન, બેનરો લઈને સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ

0

કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ ફી નો મુદ્દો રાજ્યભરમાં ગરમાયો છે ત્યારે કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ એ આજે અમદાવાદમાં ફી માફીની માંગ સાથે રસ્તા પર આંદોલન કર્યું અને રસ્તાઓ જામ કર્યા હતા. પોલીસે એનએસયુઆઇના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.

છેલ્લા 7 મહિનાથી સ્કૂલ અને કોલેજો બંધ છે. અભ્યાસ શરૂ રાખવા ઓન લાઈન શિક્ષણ ભણાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સ્કૂલ ફી માફીનો મુદ્દો પણ રાજયભરમાં ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અને યુવા પાંખ NSUI દ્વારા સરકાર સામે સ્કૂલ ફી માફ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. ફી માફીના મુદ્દાને લઈને આજે અમદાવાદ ખાતે એનએસયુઆઇના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ભારે હંગામો કરી વિરોધ નોંધવાયો હતો.

અમદાવાદના લાલ દરવાજા ખાતે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને સુત્રોચાર કર્યા હતા. હાથમાં “શિક્ષણ નહિ તો ફી નહિ”ના બેનરો સાથે રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. NSUIના આંદોલનથી રસ્તાઓ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. વિરોધ પ્રદર્શન કરતાં પ્રદર્શનકારીઓને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ NSUI કાર્યકર્તાઓએ વાત ન માનતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

અટકાયત દરમ્યાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. લગભગ 15 મિનિટની રકઝક બાદ પોલીસે રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા. દરમિયાન NSUIના કાર્યકરોએ સરકાર અને સ્કૂલ સંચાલકો ફી માફ નહિ કરે તો રાજ્યભરમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here