Connect Gujarat
Featured

અમદાવાદ : ખામ થીયરીના સર્જક માધવસિંહ સોલંકીનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલિન

અમદાવાદ : ખામ થીયરીના સર્જક માધવસિંહ સોલંકીનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલિન
X

ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચુકેલાં માધવસિંહ સોલંકીનો નશ્વરદેહ સંપુર્ણ સન્માન સાથે પંચમહાભુતમાં વિલિન થઇ ગયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદરા ગામમાં માધવસિંહ સોલંકીનો જન્મ થયો હતો. તેઓ પુર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીના એકદમ નિકટના નેતા ગણાતાં હતાં.



ગાંધીનગર ખાતે આવેલાં નિવાસસ્થાનેથી તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પુષ્પાંજલિ આપી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો હતો. અમેરિકાથી આવી રહેલા તેમના દીકરા ભરતસિંહ એરપોર્ટથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમના પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ખામ થીયરીના સર્જકનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો હતો. ખામ થીયરીથી ચર્ચાસ્પદ બનેલા માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન જેવી યોજના આજે પણ ચાલું છે. સ્વ. માધવસિંહ સોલંકી જંબુસર તાલુકાના પિલુદરા ગામના વતની હતાં અને આ જ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું જયારે માધ્યમિક શિક્ષણ તેમણે આમોદ ખાતે લીધું હતું. આમ સ્વ. માધવસિંહ સોલંકીનો ભરૂચ જિલ્લા ખાતે ખાસ નાતો રહયો છે.

Next Story