Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે યુ.એસ.બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું,4 આરોપીઓની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક કબૂતરબાજી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક કબૂતરબાજી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યૂ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરવાનું રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે

તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકાતા લઈ જવાયો હતો. ત્યાર બાદ તેને ગોંધી રાખીને 45 લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધી હતી. આ સમગ્ર તપાસ ચાલી રહી હતી એ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક એવી મળી કે કેટલાક લોકો બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ લઇ જવાનું કૌભાંડ ચલાવતા હતા. આ સમગ્ર બનાવની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને બે બોગસ પાસપોર્ટ જપ્ત કર્યા છે. આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકાના આધારે હાલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે. ગુપ્ત ઈન્પુટ મળ્યા હતા કે પ્રજાપતિ રાજુ બેચરભાઈ રહે- વડસમા, જિલ્લો મહેસાણા અને પટેલ શિલ્પા રમેશભાઈ રહે- અંબિકાનગર સોસાયટી કડીએ વિદેશ સ્થાયી થવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવ્યો છે. વિદેશ સ્થાયી થવાના સમગ્ર રેકેટમાં મહેસાણા સ્થિત લોકલ એજન્ટ હરેશ પટેલ રહે- જોરણાંગ, મહેસાણાએ પોતાની પરના દિલ્હી સ્થિત એજન્ટ તથા અન્ય અમદાવાદ સ્થિત એજન્ટ મારફત ઓરિજિનલ પાસપોર્ટ હોવા છતાં રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ તરીકે ખોટા આઈડીપ્રૂફ આધારે બીજો પાસપોર્ટ ઈસ્યુ કરાવ્યો હતો. જ્યારે શિલ્પા પટેલે પણ અન્ય નામથી ખોટો પાસપોર્ટ ઈસ્યુ કરાવ્યો છે.

આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે હરેશકુમાર અંબાલાલ પટેલ તથા હાર્દિક પટેલ છેલ્લાં 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. આજ દિવસ સુધી તેમણે ત્રીસેક જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તેમજ વિઝા કઢાવી આપી વિદેશ મોકલી આપ્યા છે તેમજ આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુએસ જવું હોવાથી આરોપી હરેશ પટેલ અને હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો. આ બંને આરોપીએ રાજુ અને શિલ્પા બંને સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગ્રુપ તરીકે વિઝા પ્રોસિઝર કરવા માટે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને રાજેન્દ્ર પટેલનાં પત્ની કામિની પટેલના નામે ખોટા પાસપોર્ટ બનાવી ખોટો પરિવાર બનાવી આપ્યો હતો. એના આધારે બંનેને નાઈજીરિયાના વિઝા માટે દિલ્હી લઈ જઈ વિઝા એપ્લાય કરાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેના આધારે તેઓ નાઈજીરિયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યુજી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટિઝનશિપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.

Next Story