અમદાવાદ સ્થિત રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન દ્વારા આયોજિત 'ફોટો પ્રદર્શન'ને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
અમદાવાદમાં લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શીત કરાઈ છે. વર્લ્ડ ફોટોગ્રાફી-ડેની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનમાં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટો કર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે. તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંત્રીએ બિરદાવીને તસ્વીરકારને અભિનંદન પણ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા અનુક્રમે અમીત દવે, શૈલેષ સોલંકી અને ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસવીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શની જાહેર જનતા માટે તા. ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે. આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય રાકેશ શાહ અને ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.