Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પતિએ વિદેશ જવા પત્નીના ઘરેથી લાખો રૂપિયા મંગાવ્યા બાદ વિદેશ જઈને કરી ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઈ

લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે.

અમદાવાદ: પતિએ વિદેશ જવા પત્નીના ઘરેથી લાખો રૂપિયા મંગાવ્યા બાદ વિદેશ જઈને કરી ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઈ
X

લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે. તેમાં વધુ એક કિસ્સો અમદાવાદ સાબરમતી વિસ્તારમાં સામે આવ્યો છે. આ કિસ્સામાં સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્ન વર્ષ 2015માં રાણીપમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ વિદેશ જવા માટે પતિએ પત્નીના પિયરીયા પાસેથી રૂપિયા માગવાનું શરૂ કર્યું હતું અને દસ લાખ જેટલી રકમ પડાવી વિદેશ પહોંચી ગયેલા પતિએ પત્ની અને તેના પિયરીયાના ઠેંગો બતાવી દીધો છે. આ કિસ્સામાં પત્ની પતિ અને તેના સાસુ સસરા વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસ અને દહેજ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ રજૂ કરેલી ઘટનાની હકીકત એવી છે કે, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્ન વર્ષ 2015માં અમદાવાદના રાણીપમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિએ ન્યૂઝીલેન્ડ અભ્યાસ માટે જવા માટે પત્ની પાસે ઇચ્છા વ્યક્ત કરી હતી. તે માટે સ્ટુડન્ટ વિઝા ની ફાઈલ મુકવા પત્નીના પિતા પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ પતિએ પત્ની પાસે વધુ રકમની માંગણી કરી હતી. પરંતુ પરિણીતાના પિતા કેન્સરની ગંભીર બિમારીથી પીડાતા હોય રૂપિયા આપવાની ના પાડી હતી. ત્યારથી પતિએ પત્નીને મારઝૂડ અને તકરાર કરવાનું શરૂ કર્યું હતું. જેથી પરિણીતાના પિતાએ એફડી તોડાવી 9 લાખ જેટલી રકમ પરિણીતાના પતિને આપી હતી. ત્યાર બાદ પરિણીતાના સાસુ સસરા પણ તેના પતિ માટે વધુ 10 લાખની રકમ લેવા પરિણીતાના પિતાની ઘર પર લોન લેવા દબાણ કરતા હતા. જે માટે પરિણીતાએ ના પાડતા સાસુ સસરાએ પણ તને ઘરકામ આવડતું નથી, તમને રસોઈ બનાવતા આવડતું નથી, જેવા મહેણા ટોણા મારી તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પતિ સાસુ અને સસરા અવારનવાર પરિણીતા સાથે ઝઘડો કરી શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં પતિ ન્યૂઝીલેન્ડ ગયો હતો. વિદેશ ગયાના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલતું પરંતુ ત્યાર બાદ પતિએ પણ પોત પ્રકાશ્યું. પત્ની સાથે ફોન પર વાત કરતા વિદેશ બેઠેલા પતિએ પત્નીને તું મને ગમતી નથી, મારે તને સાથે રાખવી નથી, તેવું જણાવી દઈ પત્ની અને તેના પિયરીયા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતુ. આમ આ ઘટના બાદ સાબરમતીમાં રહેતી પરિણીતાને તેના પતિ અને તેના સાસુ સસરા વિરુદ્ધ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Next Story