/connect-gujarat/media/post_banners/30d341b9a833b1032a2acea30dad80f1139c101e8f7089da95ab158b7868c887.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીના પરિણામને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ સુપ્રીમ કોર્ટ સુધી પડકાર્યું હતું, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી 14 દિવસમાં મતની ફેર ગણતરી માટેના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે આજે અમદાવાદ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં મતોની ગણતરી શરૂ કરાઈ હતી. આ મતગણતરીમાં અગાઉના પરિણામમાં કોઈ જ ફેરફાર નથી થયો. ગત વર્ષે કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા જાહેર થઈ હતી. જોકે, 2 દિવસ બાદ મતદાનની ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીને હાર થઈ હોવાનું કહી તેમની પાસેથી કાઉન્સીલર તરીકેનું પ્રમાણપત્ર પરત લઈ લેવાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીના પરિણામને પડકારવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી વાર ફેર મતગણતરી કરવામાં આવતા ભાજપના ગીતાબા ચાવડા વિજેતા જાહેર થયા હતા. પરિણામ યથાવત રહેતા કોંગ્રેસ ઉમેદવારની નારાજગી જારી રહી હતી. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી કાયદાકીય લડાઈ લડવાની તૈયારી બતાવી હતી.