/connect-gujarat/media/post_banners/2b6351ba06a932a454f4268e11c4d760c5a21584c24d86ef9d49c99243c7d7b9.jpg)
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે અમદાવાદ ED ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણની પરિસ્થિતી બાદ અનેક કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીને EDના સમન્સ મામલે આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો. GMDC કન્વેશન હોલથી ED ઓફિસ જવા માંગતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રોકવા પોલીસે હોલના તમામ ગેટ બંધ કરી દેતા ઘર્ષણ સર્જાયું હતું. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં કેટલાક કાર્યકરો બહાર જવામાં સફળ થયા, ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતા. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ એક બાદ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના પૂર્વં પ્રમુખ અમિત ચાવડા આવ્યા તે સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઉપરાંત વિરોધ સમયે ડિહાઇડ્રેશન થતા કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર ઢળી પડતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ કન્વેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર રામધૂન બોલાવી હતી, ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઘર્ષણ ઊભું થયું હતું. પોલીસે કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ આરોપ લગાવ્યો કે, પોલીસ પોપટ બનીને કામ કરી રહી છે. આ આઝાદી બીજી લડત છે, તો વીરજી ઠુમ્મરે આરોપ લગાવ્યો કે, આ અત્યાચાર છે. રાજ્યમાં ધારાસભ્ય પણ સલામત નથી, ત્યારે ભાજપ સરકારે પોતાની તાનાશાહી ચલાવી તેમજ સત્તાનો દુરુપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.