/connect-gujarat/media/post_banners/a8cc13d5deab40776c8d640938cd7d1bc45efbd320c2fd6d025e57b387d78c78.webp)
ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો મુકાયો હોય તેમ ડ્રગ્સ ડીલર્સને માફક આવી ગયો છે, ત્યારે હવે કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું જાણે સામાન્ય બની ગયું છે. તેમ 1-2 કરોડ નહીં, પણ 200-300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. તેવામાં કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. એક ચોક્કસ બાતમીના આધારે પાકિસ્તાન બોર્ડર નજીક બોટમાંથી રૂ. 350 કરોડનું 50 કિલો ડ્રગ્સ પકડાયું છે. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. સાથે જ 6 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી છે. વધુ તપાસ માટે આ બોટને જખૌ ખાતે લાવવામાં આવી રહી છે. તે બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, અને કોણે મંગાવ્યું હતું, તે દિશામાં તપાસ કરાશે. સમગ્ર મામલે ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં 6 સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે, અને 3 વર્ષમાં કુલ 600 કિલો ઉપર ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ ગુનાઓના મામલે 28 પાકિસ્તાની નાગરિક અને 3 અફઘાની નાગરિક સહિત 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીના જણાવ્યા મુજબ મોટાભાગે પકડાયેલા આરોપીઓ કેરિયર તરીકે કામ કરતા હોય છે. જેમને એક ઓપરેશન પૂર્ણ કર્યા બાદ બીજા ઓપરેશનની લિન્ક મળે છે. આમ ફરી એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ડ્રગ્સ માફિયાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી સફળ ઓપરેશન બદલ ડીજીપીએ અભિનંદન પાઠવ્યા હતા.