ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરવામાં આવી છે, ત્યારે કરણસિંહ તોમરે અમદાવાદમાં વિશાળ રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોઈપણ પક્ષ કે, પાર્ટી તેમના હોદ્દેદારો અને નેતાઓમાં ફેરફાર કરતા હોય છે. તેવામાં કોંગ્રેસમાં આજે અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા, ત્યારે કરણસિંહ તોમરે મેઘાણીનગરથી લઈ કોંગ્રેસ ભવન સુધી રેલી સ્વરૂપે નીકળી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કરણસિંહ તોમરે જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે, તેના પર હું ખરો ઉતરીશ. વધુમાં વધુ યુવાનો અને અગ્રણીઓને પાર્ટીમાં જોડવાનું કામ હું કરીશ. જનતાના પ્રશ્નોને લઈને સરકાર સામે લડીશું અને 2022માં કોંગ્રેસને સત્તા પર લાવીશું તેમ જણાવ્યુ હતું.
આ પ્રસંગે કોંગ્રેસ ગુજરાત પ્રભારી ડો. રઘુ શર્માએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પહેલેથી જ આશા વ્યક્ત કરી હતી કે, ભાજપ સરકારે મોંઘવારીને ચૂંટણી સાથે જોડી દીધી છે. જે પ્રમાણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે, તે ચૂંટણી આવશે ત્યારે ભાવ નહીં વધે, પણ ચૂંટણી પૂર્ણ થતાં જ ભાવ વધવા લાગશે જે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા રોડ પર ઉતરીને આંદોલન કરાશે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ જણાવ્યુ હતું.