અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે શહેરની વિવિધ હોસ્પિટલોમાં લોકોની લાંબી કતારો લાગી છે. જોકે, હોસ્પિટલોમાં આ કતાર ઋતુજન્ય રોગ સાથે જાણે કોરોનાને ફરી નિમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. જોકે, હાલ કોરોનાનું સંક્રમણ ઘટતા લોકોએ રાહત અનુભવી છે. પરંતુ શહેરમાં હવે ઋતુજન્ય રોગચાળાએ આતંક ફેલાવ્યો છે. જેના કારણે અમદાવાદીઓના માથે ફરી સંકટ આવતા ભયનો માહોલ સર્જાયો છે.
જોકે, ચોમાસુ શરૂ થતાની સાથે જ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋતુજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે. શહેરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. કતાર એટલી લાંબી હોય છે કે, લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેના કારણે કોરોના સંક્રમણ પણ ફરી વધી શકે તેવી શક્યતા વર્તાઇ રહી છે. તો સાથે જ કેસ કઢાવા માટે લોકો સહિત દર્દીઓ લાંબા સમય સુધી કતારમાં ઉભા રહે છે. જેથી અન્ય બિમાર દર્દીઓને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.