/connect-gujarat/media/post_banners/056eb04b1cd1949d1dddb2fd621c59e479baf1a77ed49e956ff89b3ff970fb38.jpg)
અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગર ખાતે આવેલી એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રૂપિયા 2.37 લાખની ગેરકાયદે કફ સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી હરિજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટીમાંથી એક શખ્સને કફ સિરપના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એસઓજીએ નવા નરોડા ખાતે આવેલ ડી-માર્ટ નજીકના અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રિયની ધરપકડ કરી છે. એસોજીને હરીજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટીની દુકાનમાંથી 1 મોબાઇલ, અન્ય દસ્તાવેજો અને કફ સિરપના બોક્ષ એટલે કે 1,255 નંગ બોટલો મળી કુલ રૂ. 2.37 લાખના મુદ્દામાલ સાથે મયુરસિંહ ક્ષત્રિયની ધરપકડ કરી છે. જે કફ સિરપ આરોપી લોકોને ગેરકાયદે રીતે નશા માટે આપતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આરોપી કફ સિરપ ક્યાથી લાવતો અને કોને કોને વેચાણ કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના પિતા અને મોટા ભાઈના નામે દુકાનનું લાયસન્સ હતું. જે રિન્યૂ કરાવેલ ન હતું, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.