Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 70થી વધુ પોલીસકર્મીઓની મહેનત લાવી રંગ, ગુમ થયેલી બાળકીને શોધી કાઢી

X

પોલીસ ધારે તો શું ન કરી શકે.. આ સવાલનો જવાબ તમને અમદાવાદની ઘટના આપી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી એક દિવસની બાળકીને પોલીસે જુહાપુરા વિસ્તારમાંથી શોધી કાઢી છે. બાળકીને શોધવા માટે આકાશ- પાતાળ એક કરી દેનારી પોલીસકર્મીઓની ટીમે પોલીસ કમિશ્નરે સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો છે.....

અમદાવાદની સોલા હોસ્પિટલના ત્રીજા માળે આવેલાં પીએનબી વોર્ડમાંથી ઓગષ્ટ મહિનામાં એક દિવસીય બાળકી ગુમ થઇ હતી. બાળકીની માતાએ તેની એક દિવસીય પુત્રી ગુમ થયા અંગે પોલીસને જાણ કરી હતી. અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ તથા અન્ય પોલીસ સ્ટેશનના 70થી વધારે પોલીસકર્મીઓની ટીમ કામે લાગી હતી. સિવિલ હોસ્પિટલની આસપાસના સીસીટીવી કેમેરાઓના ફુટેજ મેળવવામાં આવ્યાં. આ ફુટેજને બારીકાઇથી જોવામાં આવ્યાં.. પોલીસે પોતાના બાતમીદારોને સક્રિય કર્યા.. અને તેમાં પોલીસને એક મહત્વની બાતમી મળી કે સોલા સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલી બાળકી જુહાપુરા વિસ્તારમાં એક મહિલા પાસે છે.. બાતમીદારે તો બાતમી આપી પણ તેની ખરાઇ કરવા માટે પોલીસે શંકાસ્પદ મહિલાના ઘરની બહાર તથા આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી મહિલાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી હતી. પોલીસની તનતોડ મહેનત આખરે રંગ લાવી હતી...

અમદાવાદ પોલીસે જુહાપુરા વિસ્તારમાંથી નગમા નામની મહિલાની બાળકી સાથે અટકાયત કરી હતી. નગમાની પુછપરછ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. નગમાના લગ્નને સાત વર્ષ થઇ ગયાં હતાં પણ કુખે સંતાનનો જન્મ થયો ન હતો. સંતાન પ્રાપ્તિ માટે નગમા કઇ પણ કરી છુટવા તૈયાર હતી અને તેણે હોસ્પિટલમાંથી નવજાત શિશુના અપહરણનો પ્લાન ઘડી નાંખ્યો હતો. તેણે સોલા સિવિલના ત્રીજા માળેથી બાળકીનું અપહરણ કર્યું પણ પોલીસની બાજ નજરમાંથી બચી શકી ન હતી. હાલ નગમા પોલીસની કસ્ટડીમાં છે. બીજી તરફ અમદાવાદના પોલીસ કમિશ્નરે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાત- દિવસ એક કરનારી પોલીસની ટીમને સન્માનિત કરી હતી.

પોતાની કુખે બાળકીનો જન્મ થયાને એક જ દિવસમાં તેનું ગુમ થવાની ઘટના કોઇ પણ માતા અને પિતા માટે આઘાતજનક હોય છે. પોતાની ફુલ જેવી બાળકી હેમખેમ મળતાં તેના માતા-પિતા પણ ગદગદિત થઇ ગયાં હતાં. બાળકીના માતા અને પિતાએ જણાવ્યું હતું કે, તેમણે પોતાની બાળકી પરત મળશે તેવી આશા છોડી દીધી હતી પણ પોલીસ તેમના માટે દેવદુત બનીને આવી છે. એક સપ્તાહની ભારે જહેમત બાદ પોલીસે તેમને તેમની બાળકીને પરત અપાવી છે. પોલીસ વિભાગનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે...

Next Story