સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો
200થી વધુ શાળાઓએ બંધ પાડીને નોંધાવ્યો વિરોધ
NSUI દ્વારા કરવામાં આવ્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન
વિદ્યાર્થીઓ પણ પ્લેકાર્ડ સાથે પ્રદર્શનમાં જોડાયા
પોલીસે NSUI કાર્યકર્તાઓની કરી અટકાયત
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં 200થી વધુ શાળાઓ જોડાઈ હતી.જ્યારે NSUI દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ખૂબ જ ઉગ્ર બનતો જાય છે.જેના પગલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી.જ્યારે NSUI દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.
યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સિંધી બજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
સેવન્થ ડે સ્કૂલની બહાર NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો એકઠા થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. આ દરમિયાન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ વિસ્તારમાં 'ગુંડાગર્દી' ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓ કાળા કપડા પહેરીને પહોંચી હતી, જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડા પહેરીને આવ્યા હતા.
પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું તેમનું માનવું છે.