-
ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યો
-
ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ નોંધાય ફરિયાદ
-
19 લોકોના આરોગ્ય સાથે ખેલનાર ડો. પ્રશાંત ઝડપાયો
-
જરૂર વગર લોકોની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરી
-
ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે.
ગત તા. 10 નવેમ્બરના રોજ અમદાવાદના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજન બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જ્યારે સ્ટેન્ટ મુક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હતા, ત્યારે આ મામલે દર્દીઓના પરિવારજનોની જાણ બહાર ઓપરેશન કરવામાં આવતા રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો હતો. તેવામાં ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્ય સરકારે એક્શન લીધા છે.
સમગ્ર મામલે તપાસ બાદ ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ CDMO ડો. પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેમાં 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે. ખ્યાતિકાંડ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યના આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસમાં હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.