અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે. ચુકાદો જાહેર થયા બાદ ફરિયાદ પક્ષના વકીલે સજા બાબતે આરોપીઓને પણ સાંભળવામાં આવે તેવી અરજી કરી હતી. આ અરજી બાદ બંને પક્ષોને સાંભળવા માટે 11મી તારીખ નકકી કરાય હતી. સોમવારે વિશેષ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલોએ તેમની દલીલો કરી હતી. સરકારી વકીલોની દલીલો પુર્ણ થયા બાદ હવે આવતીકાલે કોર્ટ બચાવ પક્ષની દલીલો સાંભળશે. બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ સજા સંભળાવી શકે છે.
દોષીતો સામે લાગેલી કલમો મુજબ મહત્તમ સજા, ફાંસીની સજા અને ઓછી સજા એટલે જનમટીપની સજા થઈ શકે છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. બોમ્બબ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળ્યો હતો. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.