અમદાવાદના બારેજા ગામે યુવકે આપઘાત કરી લેવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં લગ્નના 10 દિવસમાં દુલ્હન સોનાના દાગીના લઈ ફરાર થતા યુવકે આપઘાત કર્યો હતો, ત્યારે આ મામલે પોલીસે 2 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસ ગિરફ્તમાં જોવા મળતા આ આરોપીઓએ દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા હતા. લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
ઘટનાની વાત કરીએ તો, બારેજામાં રહેતા હિતેષ સોલંકી વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમાં આવ્યો હતો. જેમાં દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાની નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. જોકે, આ રાની નામની યુવતી લૂંટેરી દુલ્હન નીકળી હતી. લગ્નના દસમાં દિવસે દાગીના અને કિમંતી વસ્તુઓ લઈને તે પોતાની માતા સાથે રફુચક્કર થઈ ગઈ હતી. જેના આઘાતમાં હિતેષ સોલંકીએ અંતિમ ચીઠ્ઠી લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
મૃતક યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, લગ્નના 10 દિવસ બાદ દુલ્હન રાનીને ફોન કરીને પરત બોલવાનું કહેતા તેણે નાતજાતનો ભેદ કરી પરત ન આવવાનું કહ્યું હતું, ત્યારે યુવકને લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે અસલાલી પોલીસે 8 લોકો વિરુદ્ધ દુષ્પેરણા અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. જેમાં પોલીસે 2 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી કરવામાં આવી છે, જ્યારે લૂંટેરી દુલ્હન અને તેની માતાની પોલીસે શોધખોળ આરંભી છે.