/connect-gujarat/media/post_banners/b377c1416095d1e00c980b9d46c773841907ba1ebd6924aa0120f76b73f15eb2.jpg)
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનતેરસના દિવસે જવેલર્સને બંધક બનાવી રૂપિયા દોઢ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડામાં અંજલી જ્વેલર્સના માલિકને ધનતેરસની રાત્રે નોકરોએ બંધક બનાવી રૂ. 1.5 કરોડના સોનાના દાગીના અને રોક્ડ રકમ મળીને લૂંટ ચલાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સુરેન્દ્રસિંહ ઉર્ફ સુનીલ દલપતસિંહ ઝાલા અને ચિરાગ પ્રહલાદભાઈ નાયકને ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓની પૂછપરછમાં જે.ડી. ઉર્ફ જેન્તીજીનું નામ ખુલ્યું હતું. જે.ડી. રૂ. 1 કરોડથી વધુના મત્તાના દાગીના લઈ ફરાર થઈ ગયો હોવાની વિગતો પોલીસને મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચે જે.ડી.ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, 75 દિવસથી પણ વધુ સમય વીતી જવા છતાં આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો, ત્યારે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, આરોપી જે.ડી. લૂંટનો મુદ્દામાલ લઈને વેચવા માટે ઝુંડાલ સર્કલ તરફ આવવાનો છે, જ્યાં પોલીસે વોચ ગોઠવી આરોપી જેન્તીજી ઉર્ફ જે.ડી. ધારશી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરી તેના વતન ભાભરના કપરૂપુર ગામેથી અને થરાના ભદ્રેવાડીથી રૂ. 1,08,81,050/-ની મત્તાના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. આરોપી જે.ડી. અને સુનિલ અગાઉ મર્ડરના ગુનામાં પણ ઝડપાય ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.