/connect-gujarat/media/post_banners/d2b5ee7fa36f0ba08681fa094b283d4168aff31252a1f875ace523c6aedc132b.jpg)
અમદાવાદમાં એક સપ્તાહ પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે 14 લાખ રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં પાંજરાપોળ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકરની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડ રકમ 14 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે.
ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી વાહનનો અકસ્માત કર્યાનું બહાનું કાઢી રૂપિયા 28 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. જે ગુનામાં અજય ગાગડેકરની ધરપકડ કરી ફરાર અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી અજય ઉર્ફે અજુબાની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે, લૂંટ માટે જલગાંવથી અજય નામના આરોપી અને તેના 2 સાગરીતને બોલાવાયા હતા.
સાથે જ ગુનો કરવા માટે આરોપીઓ જલગાંવથી જ બાઈક લાવ્યા હોવાનું બહાર આવ્યુ છે. ઝડપાયેલા આરોપી અજુબાએ કબુલાત કરી છે કે, લૂંટની રકમમાંથી 14 લાખ રૂપિયા તેને મળ્યા હતા. જોકે, અન્ય 14 લાખ રૂપિયા જલગાંવના આરોપી સાથે લઈ ગયા છે.
જેઓને ઝડપી લેવા માટે અન્ય 3 ટીમો કાર્યરત છે. આંગડિયા લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપ અજુબાના ગુનાહીત ઈતિહાસની તપાસ કરતા સોલા, એલિસબ્રિજ સહિત 6 જેટલી લૂંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે આરોપીની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે.