અમદાવાદના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં બચાવ પક્ષે કરેલી અરજીના સંદર્ભમાં આરોપીઓની સજા સંદર્ભે દલીલો સાંભળવા સુનાવણી હાથ ધરવામાં આવી છે. અમદાવાદની વિશેષ અદાલતમાં સુનાવણીની કાર્યવાહી ચાલી હતી.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને યુએપીએ હેઠળ દોષિત જાહેર કર્યા છે. આરોપીઓના વકીલે આરોપીઓની સજા સંદર્ભે દલીલ સાંભળવામાં આવે તેવી અરજી કરી હતી. અરજી બાદ કોર્ટે આરોપીઓને દોષી જાહેર કરી દીધાં હતાં પણ સજાનું એલાન કર્યું ન હતું. શુક્રવારે સવારથી વિશેષ અદાલતે આરોપીઓની દલીલો સાંભળવાનું શરૂ કર્યું હતું.
સુનાવણીને પગલે આજે ભદ્ર કોર્ટ પરિસર બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારથી કોર્ટમાં આવતા દરેક લોકોનું ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. જયારે સરકારી વકીલોએ આરોપીઓના કૃત્યને જધન્ય ગણાવી કડકમાં કડક સજાની માંગણી કરી છે. આ સુનાવણી કેટલા દિવસ અને કેટલો સમય ચાલે છે તે કેહવું મુશ્કેલ છે પણ આવનાર દિવસોમાં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના દોષિતોને સજાનું એલાન થશે તે નક્કી છે.