દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી સોના-ચાંદીની દુકાનો અને મોટા શો-રૂમમાં લોકોએ ભારે ખરીદી કરી હતી.
કોરોના કાળના 2 વર્ષ બાદ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય રહ્યો છે, ત્યારે આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં બજારોની સાથે સોના-ચાંદીના શો રૂમ અને જ્વેલર્સને ત્યાં ધનતેરસના શુભ દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આમ પણ ગુજરાતીઓ દિવાળીના પ્રથમ દિવસે એટલે કે, ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું શુભ માને છે, ત્યારે અમદાવાદના સોના ચાંદીના વેપારીઓ અને મોટા શો-રૂમમાં આજે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
જોકે, આજે ધનતેરસના દિવસે સોનું ખરીદનાર ગ્રાહકનું પણ કહેવું છે કે, આજનો દિવસ શુભ માનવામાં આવે છે, ત્યારે આજના દિવસે સોનું-ચાંદી ખરીદવું એ લાભદાયી નીવડે છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના દાગીનાની સાથે સોના-ચાંદીનો સિક્કો, લગડી અને બિસ્કીટની ધૂમ ખરીદી કરવામાં આવી હતી. તો બીજી તરફ, સોના-ચાંદીના વેપારીઓ પણ આ ખરીદીથી ખુશ જોવા મળી રહ્યા છે. વેપારીઓએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, પુષ્ય નક્ષત્ર દિવસ કરતાં પણ ધનતેરસના દિવસે સોના-ચાંદીના દાગીનાનું વધુ વેંચાણ થયું છે.